ટંકારા તાલુકાના રોહીશાળા ગામના રહેવાસીએ મિતાણાના આરોપી વિરૂદ્ધ પાંચ લાખના ચેક રિટર્ન બાબતે કેસ કર્યોં હતો. જે કેસ કર્યાં બાદ ફરિયાદી છેલ્લા સાત મહિનાથી કોર્ટમાં હાજર રહેતા ન હોય તેથી ડિસમિસ ફોર ડિફોલ્ટ કરી આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરતા ટંકારા પ્રિન્સિપાલ જજ દ્વારા કરવામાં આવ્યો છે….
ટંકારા તાલુકાના રોહીશાળા ગામના રહેવાસી નિકુંજ કિશોરભાઈ પારીયાએ મીતાણાના રહેવાસી કૈલાશ સવજીભાઈ ભાગીયાને મિત્રતાના સંબંધના દાવે રકમ રૂપિયા પાંચ લાખ આપેલ હોય જેના બદલામાં આરોપી કૈલાશ ભાગીયાએ પોતાની બેન્ક ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક પરત થતા ફરિયાદી નિકુંજ પારીયાએ ટંકારા નામદાર અદાલતમાં આરોપી કૈલાશ ભાગીયા વિરુદ્ધ કેસ કર્યો હતો. જે કેસમાં આરોપી અદાલત સમક્ષ હાજર થયા બાદ ફરિયાદીના પુરાવા પર આવ્યા બાદ છેલ્લા સાતેક મહિનાથી ફરીયાદી ક્યારેય પણ નામદાર અદાલતમાં પોતાની જુબાની દેવા માટે હાજર રહ્યા ન હતા. જેથી આરોપીના એડવોકેટ પાર્થ સંઘાણી દ્વારા ફરીયાદીનું પુરાવાનું સોગંદનામુ ડિસ્કાર્ડ કરવાની અરજી આપી દલીલ કરેલ હતી કે ફરિયાદીના પુરાવા પર છેલ્લા સાતેક મહિનાથી ચાલી આવે છે અને ફરિયાદી સાતેક મહિનાથી નામદાર અદાલતમાં ક્યારેય આવ્યા નથી. ફરિયાદી પોતાનો કેસ ચલાવવામાં નિષ્ફળ રહયા છે અને નામદાર અદાલત દ્વારા પણ વખતો વખત ફરિયાદીના એડવોકેટ મારફતે ફરિયાદીને નામદાર અદાલતમાં હાજર રહેવા જણાવવા છતાં ફરિયાદી હાજર રહેતા ન હોય જેથી ફરિયાદીને તેઓનો કેસ ચલાવવામાં કોઈ જ રસ ન હોય તેવું જણાય આવે છે. જેથી ફરિયાદીનું પુરાવાનું સોગંદનામુ ડિસ્કાર્ડ કરી કેસ ડિસમિસ ફોર ડીફોલ્ટ કરી આરોપીને નિર્દોષ છોડી મૂકવો જોઈએ તેવી આરોપીના એડવોકેટ પાર્થ સાંઘાણીએ કરેલ રજૂઆતો માન્ય રાખી ફરિયાદી પોતાનો કેસ ચલાવવામાં નિષ્ફળ ગયા હોય અને નામદાર અદાલત દ્વારા વખતો વખત ફરિયાદીને પૂરતી તક પણ આપવામાં આવી હોય છતાં ફરિયાદીએ તે તકનો લાભ ઉઠાવ્યો નથી જેથી ફરિયાદીને પોતાનો કેસ ચલાવવામાં કોઈ રસ ન હોય તેવું ઠરાવી આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ટંકારાની નામદાર અદાલત દ્વારા ફરમાવવામાં આવ્યો છે.