ટંકારા: રાજકોટ હાઇવે ઉપર ભૂતકોટડા ગામના બોર્ડ નજીક ડિવાઈડર કટ પાસે રોડ ક્રોસ કરવા ઉભેલ મોટર સાયકલને રાજકોટ તરફથી આવતી બલેનો કારે ટક્કર મારતા, મોટર સાયકલ ચાલક પ્રૌઢ રોડ ઉપર પટકાયા હતા, આ અકસ્માતમાં પ્રૌઢને એક પગમાં પેનીનો ભાગ છૂંદાઈ ગયો જ્યારે બીજા પગમાં ફ્રેકચર તથા માથા અને વાસાના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માત અંગે ઘાયલ પ્રૌઢ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટંકારા તાલુકાના ગજડી ગામના રહેવાસી દેવદાનભાઈ લખમણભાઈ સવસેટા ઉવ.૫૦ ગઈ તા.૧૬/૧૧ ના રોજ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીએન-૦૧૨૪ લઈને પડધરી ગામથી પરત આવતા હોય ત્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર ભૂતકોટડા ગામે ડિવાઈડરની કટથી રોડ ક્રોસ કરવા ઉભા હતા, ત્યારે રાજકોટ સાઈડથી આવતી બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૧૧૫૭ ના ચાલકે ફૂલ સ્પીડમાં આવી દેવદાનભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લેતા તેઓને બન્ને પગમાં અને માથામાં તથા વાસાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને પ્રતગમ રાજકોટ સીનર્જી હોસ્પિટલ બાદ જી.ટી.શેઠ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર અકસ્માત અંગે ઇજાગ્રસ્ત દ્વારા કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









