ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા એડવોકેટની આઈ-૨૦ કારમાં આગ લગાડી દેવાની ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે, જેમાં એડવોકેટના ઘરે માતાજીનો પ્રસંગ હોય જેને લઈને તેમબ બે કુટુંબી ભાઈઓ નારાજ હોય, જેનો ખાર રાખી મોડીરાત્રીના એડવોકેટ સહિતના પરિવારના સભ્યો સુતા હોય ત્યારે તેઓની કારને આગ ચાંપી દેવામાં આવી હતી, આગ ચંપી બાદ જતા જતા એડવોકેટને જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા અને વ્યવસાયે એડવોકેટ દેવજીભાઇ રાણાભાઇ ચૌહાણ ઉવ-૩૫ એ આરોપી નરેશભાઇ ઉર્ફે પોપટભાઇ રામજીભાઇ ચૌહાણ તથા આરોપી દિનેશભાઇ ચનાભાઇ ચૌહાણ રહે.બન્ને નાના ખીજડીયા તા.ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આ કામના ફરીયાદી દેવજીભાઈના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયેલ હોય અને આ અરોપીઓ આ પ્રસંગ કરવામાં રાજી ન હોય જેથી બન્ને આરોપીઓએ ફરીયાદી દેવજીભાઈ તથા તેમના પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ આરોપી દીનેશભાઈએ પાવડો લઇ આવી ફરીયાદી દેવજીભાઇ સાથે બોલાચાલી ઝગડો કર્યો હતો, જે બાદ પ્રસંગમાં હાજર અન્ય કુટુંબીઓએ બન્ને આરોપીઓને સમજાવતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ પ્રસંગ કરવા બાબતેનો બન્નેએ ખાર રાખી મોડીરાત્રીના ફરીયાદી દેવજીભાઈની હ્યુન્ડાઇ કંપનીની આઇ ટ્વેન્ટી કાર રજી.નં- જીજે-૧૩-એબી-૬૨૧૯ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- વાળીમાં આગ લગાવી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે.