વોટસએપ કોલ કરી “ગુલાબી ગેંગ દ્વારા મરાવી નાખીશ” જેવી સતત ધમકીઓથી કંટાળી આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
ટંકારા તાલુકાના ગજડી ગામના રહેવાસીને લીવ-ઇન રિલેશનશીપ સંબંધિત વિવાદમાં અમદાવાદના શખ્સ દ્વારા ખોટા કેસમાં ફસાવવાની તેમજ “ગુલાબી ગેંગના હાથે મરાવી નાખીશ” જેવી ધમકીઓ આપતો હોય જેથી કંટાળી ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરિયાદી પ્રકાશભાઇ કાળુભાઇ ડાંગર ઉવ.૪૪ રહે. ગજડી ગામ તા.ટંકારા વાળાના મોબાઇલ નંબર ઉપર તા.૦૯ એપ્રિલ ૨૦૨૪ થી ૨૧ જૂન ૨૦૨૫ સુધી અલગ અલગ સમયે આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે. વાસણા-૮ ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી અમદાવાદ શહેર વાળો તેના અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ફરિયાદીને તેમના મોબાઇલ નંબર ઉપર મિસ્ડ કોલ, વોટસએપ કોલ અને મેસેજ દ્વારા સતત પજવણી કરી ધમકીઓ આપે છે. જેમાં ફરિયાદી પ્રકાશભાઈએ રીટાબેન સરવૈયા સાથે લીવ-ઇન રિલેશનશીપના કરાર બાદ, બંને વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસોમાં પ્રકાશભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની અને “ગુલાબી ગેંગ”ના હાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે, હાલ ટંકારા પોલીસે પ્રકાશભાઈની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.