ટંકારા તાલુકાના સજનપર ગામે અતિ ધૃણાસ્પદ બનાવની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલા ૭૧ વર્ષીય વૃદ્ધ મહિલાને જોઈને અગાઉ વૃદ્ધ મહિલાના દીકરાઓ સાથેના ઝઘડાનો ખાર રાખી ગાળો બોલતા ઇસમને વૃદ્ધા દ્વારા અટકાવતા જે બાબતે આરોપીએ વૃદ્ધ મહિલાને ધક્કો મારી નીચે પછાડી દઈ લાતોથી માર મારવામાં આવ્યો હતો અને તે દરમિયાન અન્ય બે આરોપીઓ આવી જતા તેને વૃદ્ધ મહિલાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ અંગે વૃદ્ધ મહિલા દ્વારા ત્રણેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદની મળતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા રૂક્ષ્મણીબેન પ્રભુભાઇ પ્રાગજીભાઇ બરાસરા ઉવ-૭૧ એ આરોપી હરજીભાઈ લીંબાભાઈ બરાસરા, અશોકભાઈ બચુભાઈ બરાસરા તથા વિવેક અશોકભાઈ બરાસરા રહે- ત્રણેય સજનપર ગામે તા-ટંકારા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં ગઈકાલે તા.૩૧ ડિસેમ્બરના રોજ ફરીયાદી વૃદ્ધ મહિલા તેમની વહું સાથે મંદીરેથી ઘરે જતા હતા તે વખતે અગાઉ વૃદ્ધ મહિલાના દીકરાઓ અશોકભાઈ અને ભરતભાઈની સાથે ગામમા રહેતા આરોપી હરજીભાઈ લીંબાભાઈ સાથે ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી તેઓ ગાળો બોલતા હોય જેથી ફરીયાદી રૂક્ષ્મણીબેને આરોપીને ગાળો નહિ આપવાનુ કહેતા આરોપી હરજીભાઈ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ધક્કો મારી જમીન પર પછાડી દઈ એક લાત મારી કહ્યું કે ‘આજે તો જાનથી મારી નાખવી છે’ તેમ કહી ધમકી આપી તેમજ થોડીવાર બાદ અન્ય બંને આરોપીઓ ફરીયાદી રૂક્ષ્મણીબેનના ઘર પાસે આવી પરિવારના તમામ સભ્યોને ગાળો આપી બધાને જોય લેવા છે તેમ ધમકી આપી ગુનો કરવામાં મદદગારી કરી હોય હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.