ટંકારા શહેરના ગાયત્રી નગર સોસાયટીને જોડતા અને અત્યંત બિસ્માર હાલતમાં રહેલા અમરાપર રોડના નવીનીકરણનું કામ આખરે શરૂ થઈ ગયું છે. આ રોડ નગરપાલિકા હસ્તક આવતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તેને ડામરથી મઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેનાથી સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
તંત્ર દ્વારા લેવાયા ત્વરિત પગલાં
લાંબા સમયથી આ રસ્તો ઉબડ-ખાબડ હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રહીશોને ભારે મુશ્કેલી પડતી હતી. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, એન્જિનિયર વિવેક ગઢિયા અને તેમની ટીમ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી હતી. પાલિકા હસ્તગત રોડ આવતાની સાથે જ તાત્કાલિક સર્વે કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ખીજડીયા ચોકડીથી લઈને ટંકારા શહેરના મુખ્ય શ્મશાન સુધીના મહત્વના માર્ગને ડામરથી મઢવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગ શહેરના ટ્રાફિક અને અવરજવર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
ગાયત્રી નગર સોસાયટીના રહીશો અમરાપર તરફ જતા વાહનો વર્ષોથી ધૂળ અને ખાડાઓનો સામનો કરતા રહીશોને હવે પાકા રસ્તાની સુવિધા મળશે. આ રોડ સિવિલ હોસ્પિટલ તરફ જતો હોવાથી ત્યાં આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સની અવરજવર હવે સરળ બનશે. રાહદારીઓ અને વાહનચાલકોને ઉબડ-ખાબડ રસ્તામાંથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે.
નગરપાલિકાની આ વેગીલી કામગીરીને પગલે ટંકારાના જાગૃત નાગરિકોએ તંત્રનો આભાર માન્યો છે.









