ટંકારામાં વાડીએ પાણીના નીકાલના મુદ્દે થયેલ બોલાચાલીને પગલે પ્રૌઢ ઉપર વાડી-પાડોશી પિતા-પુત્રએ લાકડાના ઘોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ટંકારા સિવિલ બાદ મોરબી રીફર કર્યા હતા.
ટંકારામાં મઠવાળી શેરીમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો ઉવ.૫૦ ઉપર લાકડાના ઘોકાથી હુમલો કરાયો હતો. જે પગલે ગોવિંદભાઇ દ્વારા ટંકારા પોલીસ મથકમાં આરોપી દિલીપભાઈ છગનભાઇ ઘેટીયા અને છગનભાઇ રાઘવભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા. ૦૪/૧૦ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ હનુમાનજી મંદિર ગાયત્રીનગર સોસાયટી પાસે બેઠેલા હતા ત્યારે દિલીપ છગનભાઈ ધેટીયા મોટરસાયકલ લઈને ત્યાં પહોંચ્યા હતા. કોઈ બોલાચાલી કર્યા વિના તેમણે લાકડાના ઘોકાથી તેમના વાસાના ભાગે માર મારી હુમલો કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી ચાલતી હતી, ત્યારે મુકેશભાઈ કરશનભાઈ કોરીંગા વચ્ચે પડી ઘોકો હાથમાંથી લઈ લીધો હતો. બાદમાં દિલીપભાઈ મોટરસાયકલ લઈ ભાગી ગયા હતા. જે બાદ આરોપી દિલીપના પિતા છગનભાઈ ધેટીયાએ પણ ધમકી આપી હતી કે, “તારેથી જે થાય તે કરી લે,” એમ કહી સ્થળ પરથી ચાલ્યા ગયા હતા. મારામારી દરમ્યાન આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને ગોવિંદભાઈને તેમના સંબંધીઓએ ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાથ તથા ખંભાના ભાગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ ગોવિંદભાઈની ચીખલીયા હોસ્પિટલ ટંકારા ખાતે સારવાર ચાલી રહી છે. ટંકારા પોલીસે ગોવિંદભાઈની ફરિયાદને આધારે આરોપી બંને પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.