ટંકારાના લજાઈ ગામે આવેલ પ્લાસ્ટીકના ખુરશી ટેબલ બનાવવાના કારખાનામાંથી કારખાનેદારે ઓર્ડર મુજબનો માલ રાજકોટના બ્રહ્માણી ટ્રાન્સપોર્ટ મારફતે આઇસર વાહનમાં મોકલ્યો હતો. ત્યારે આ આઇસર વાહન માલ સાથે રાજપીપળા ન પહોંચતા તપાસ કરવામાં આવી હતી.જેથી ડ્રાયવરને ફોન કરતા તેનો ફોન બંધ આવતા માલ અને વાહન ગુમ થયાની કારખાનેદાર દ્વારા ફરીયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના શનાળા બાયપાસ સીટી મોલ પાછળ નિલકંઠ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૧ માં રહેતા મુળરહે.બંગાવડી તા.ટંકારાવાળા વિનોદભાઈ મહાદેવભાઈ સોરીયા કે જેઓ ટંકારાના લજાઈ ગામે એ-વન પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામે ભાગીદારીમાં કારખાનું ચલાવે છે, તેમણે રાજપીપળાના એવન ટ્રેડર્સના વેપારી કૌશીકભાઈ વસંતભાઈ સંતોકીને ૧૦૮૫ નંગ પ્લાસ્ટિકની ખુરશીઓ તથા ૧૬ નંગ સેન્ટર ટેબલ કિ.રૂ.૧,૨૭,૫૨૫/- માટેના ઓર્ડર મુજબ આ માલ રાજપીપળા પહોંચાડવા માટે ૩૦ જાન્યુઆરીએ બપોરે ૩ વાગ્યે રાજકોટના બ્રહ્માણી ટ્રાન્સપોર્ટમાં ફોન કરતા તેઓએ આઇસર ગાડી જીજે-૧૪-એક્સ-૮૨૦૧ અને ડ્રાયવર અરજણભાઈ ફાતાભાઈ બારીયાને મોકલ્યા હતા, ત્યારે મજુરો દ્વારા ઓર્ડર મુજબનો માલ આ આઇસર વાહનમાં ભરાવી રાત્રે ૧૦:૩૦ વાગ્યે આ વાહન રાજપીપળા જવા નીકળ્યું હતું. જે બાદ ૩૧ જાન્યુઆરીની સવારે ૧૦.૩૦ વાગ્યે રાજપીપળા સ્થિત વેપારી કૌશીકભાઈનો ફોન આવ્યો કે માલસામાન હજી સુધી રાજપીપળા પહોંચ્યું નથી. ત્યારે તપાસ કરતા ડ્રાયવરનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો, જ્યારે બીજીબાજુ વાહન માલિક સાથે સંપર્ક કર્યા બાદ જાણવા મળ્યું કે ડ્રાયવર પોતે જ વાહન અને માલ સાથે ગાયબ થઈ ગયો છે. જેથી વિનોદભાઈએ ટંકારા પોલીસ મથકમાં આરોપી આઇસર વાહન ચાલક અરજણભાઈ ફાતાભાઈ બારીયા રહે.રહે પઠારા ગામ. પધારીયા તા. સંતરામપુર જી.મહિસાગરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.