ટંકારામાં યુવાન ઉછીના રૂપિયા લઈને ક્યાંક ભાગી ગયા બાદ તેના ભાઈ પાસે એક શખ્સે પઠાણી ઉઘરાણી કરતા અંતે તેણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેનો જીવ બચી જતા તેણે આ શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ ગણેશભાઇ ભાગીયા (ઉ.વ. ૪૨, ધંધો. ખેતી, રહે. મીતાણા-પ્રભુનગર, તા. ટંકારા) એ આરોપી જયદીપભાઇ બાબુભાઇ બસીયા (રહે મિતાણા, તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૧ના રોજ મિતાણા ગામ શીવપેલેસ હોટલ પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના ભાઇએ આરોપી પાસેથી દશ લાખ રૂપિયા ઉછીના લઇ કયાંક ચાલ્યો ગયો હતો. જેથી, આરોપીએ ફરિયાદી પાસે ઉછીના રૂપિયા માંગતા ફરીયાદીએ આરોપીને પોતાના નાનાભાઇ પાસે રૂપીયા લેવાનુ જણાવતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ તેમ ગાળો આપી ત્રણ ચાર ફડાકા મારીને આરોપીએ કહેલ કે પૈસા આપી દેજે નહીતર તને પતાવી દેવો જોશે. તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ ત્યારે ફરીયાદ કરેલ નહી બાદમાં અવારનવાર ફરીયાદીને આરોપીએ ફોનમા પૈસા આપવા બાબતે ફોન કરી ધમકાવતા હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.