કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોના માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવીને જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં નવા આવાસો તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા BLC યોજનાની વિગતો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત લાભાર્થીઓને રૂ. 4 લાખ સુધીની સહાય મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 (PMAY-U 2.0) અંતર્ગત બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટકના અમલીકરણને લઈને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓને પોતાની માલિકીની જમીન પર પાકા આવાસ બાંધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. 4 લાખ સુધીની આર્થિક સહાય મળશે. આ યોજના અંતર્ગત BLC ઘટકમાં રૂ. 3 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓને પોતાની માલિકીની ખુલ્લી જમીન પર અથવા કાચા/અર્ધપાકા જર્જરિત આવાસને ઉતારીને નવા પાકા આવાસનું બાંધકામ કરવાની તક મળશે. આ આવાસમાં નેશનલ બિલ્ડીંગ કોડ (NBC) મુજબના સલામતી અને ડિઝાઇન ધોરણોનું પાલન કરવું પડશે. આવાસનું કાર્પેટ વિસ્તાર 30 ચોરસ મીટરથી 45 ચોરસ મીટર સુધીની મર્યાદામાં હોવું જોઈએ, જેમાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સમાવિષ્ટ હોવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ ઘટકના અમલીકરણ માટે નક્કી કરાયેલા સહાય ધોરણો અનુસાર, પોતાની માલિકીની ખુલ્લી જમીન પર અથવા કાચા/અર્ધપાકા આવાસને ઉતારીને નવું પાકું આવાસ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી આવાસ દીઠ રૂ.1,50,000ની સહાય આપવામાં આવશે. આની સામે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,50,000ની વધારાની સહાય પૂરી પાડવામાં આવશે, જેથી કુલ સહાય રૂ. 4 લાખ થશે. ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું કે, આ યોજના હેઠળ 58 લાભાર્થીની યાદી જાહેર કરી છે. જેને સિધ્ધો લાભ થયો છે. “આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે વરદાનરૂપ છે. લાભાર્થીઓને પોતાના સપનાનું પાકું ઘર બનાવવા માટે આ સહાય અમૂલ્ય છે. નગરજનો આ યોજનાનો લાભ લે અને નગરપાલિકા કાર્યાલયમાં સંપર્ક કરે.” આ યોજના અંતર્ગત અરજી કરવા માટે લાભાર્થીઓને દેરીનાકા પાસે આવેલ જુની કોટ બિલ્ડીંગ માં લલિતભાઈ સારેસા 9974608060 કાર્યાલયમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.