ટંકારા: સ્વચ્છ સર્વેક્ષણ અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ટંકારા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વેપારીઓને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરી આગામી સમયમાં કડક દંડની ચીમકી ઉચ્ચારી છે.
નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય બજારો અને વેપારી એકમોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણને નુકસાન કરતા અને સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તંત્રએ તેને તુરંત જપ્ત કર્યો હતો. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ વેપારીઓમાં જાગૃતિ લાવવાનો હતો. અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળીને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો સમજાવ્યા હતા. પાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ વખતે માત્ર સમજાવટ અને માલ જપ્ત કરવાની કામગીરી કરી છે, પરંતુ હવે પછી જો 120 માઈક્રોનથી નિચેના પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો સીધો ભારે દંડ ફટકારવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સઘન ચેકિંગ ડ્રાઈવમાં ટંકારા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો, જેમાં:
ગિરીશ કુમાર સરૈયા (ચીફ ઓફિસર), કૌશિકભાઈ મોકાણા (સેનિટરી ઈન્સ્પેક્ટર – SI), ભાગ્યશ્રીબેન સોલંકી (SWM – સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ), જાદવ રીનાબેન (MIS), રાઠોડ યોગેશભાઈ (મુકાદમ)નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ નગરજનોને પણ અપીલ કરી છે કે ખરીદી માટે ઘરેથી કાપડની થેલી લઈને નીકળે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપે.









