નાના-મોટા ગુના કરી પોલીસ ચોપડે નોંધાઇ ચૂકેલા ગુનેગારો ટંકારામાં જમીન દબાણ કરવામાં જાણે બિન્ધાસ્ત હોય એવી રીતે કિંમતી અને મોકાની સરકારી ભૂમિ કબજે કરી પાકાં બાંધકામો કરીને મલાઇ કમાતા હોવા છતાં લાચાર તંત્ર કાર્યંવાહી કરવામાં ખચકાટ અનુભવે છે તેવા સવાલો લોકો દ્વારા ઉઠવામાં આવી રહ્યા હતા. જેના જવાબમાં હવે તંત્રએ આકાર પગલાં લીધા છે અને ટંકારા નગરપાલિકાએ 150 જેટલા દબાણકારોને નોટિસ ફટકારી બે દિવસમાં દબાણ હટાવવા અલ્ટીમેટમ આપ્યું છે.
ટંકારા નગરપાલિકા કાર્યરત થયા બાદ રોડ રસ્તા સફાઈ પાણી સહિતની સુવિધા માટે કમર કસી છે. તેવામાં રાજ્ય સરકારે દબાણકારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચનાને પગલે ટંકારા નગરપાલિકા એક્શન મોડમા આવી છે. અને પાલિકા હદમાં 150 જેટલા દબાણને જાતે દુર કરવા બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ટંકારા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા અને પાલિકા સ્ટાફ ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર કે એમ છાસિયા અને સ્ટાફ દ્વારા ફિલ્ડ ઉપર ઉતરી મોડી સાંજ સુધી 150 જેટલા દબાણને દુર કરવા નોટિસો આપી છે.