ટંકારા, તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ભાવિન સેજપાલ અને નવગરબી દુર્ગા મંડળના યુવા પ્રમુખ રણજીતભા ભાસડિયા ગઢવી યુવા અગ્રણી દ્વારા ટંકારા નગરપાલિકાને નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ચાચર ચોકમાં યોજાતા શેરી ગરબામાં નાની બાળાઓ અને બહેનોની સુવિધા માટે શહેરની તમામ શેરીઓના રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ખાસ કરીને ભૂગર્ભ ગટરની કુંડીઓ અને પેવર બ્લોકની રિપેરીંગની માંગ કરવામાં આવી છે, જેથી ગરબા રમવા આવતી બાળાઓ અને બહેનોને સુરક્ષિત અને સરળ વાતાવરણ મળી રહે. આ કાર્યને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે નગરપાલિકા સમક્ષ વિનંતી કરવામાં આવી છે.
આ પહેલનો હેતુ નવરાત્રિના તહેવારને વધુ આનંદમય અને સુરક્ષિત બનાવવાનો છે, જેથી શહેરના નાગરિકો ખાસ કરીને યુવા બહેનો નિશ્ચિંતપણે ગરબાની રમઝટનો આનંદ માણી શકે.