ટંકારા તાલુકાના નાના રામપર ગામે જુના ઝઘડાનો ખાર રાખી રાત્રી દરમિયાન ગોંડલથી ત્રણ કારમાં આવેલ સાત જેટલા શખ્સોએ ઘરના વરંડામાં રાખેલ બે કાર અને સીસીટીવી કેમેરામાં ધોકા પાઇપ જેવા હથિયાર મારી અંદાજે રૂ.૪૦ હજારથી વધુની નુકસાની કરી છે. હાલ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવકે પોતાના કૌંટુંબીક સહિત અજાણ્યા સાત જેટલા ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષિતસિંહ રણુભા ઝાલા ઉવ.૩૩ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી રામદેવસિંહ અજમલસિંહ ઝાલા રહે. મૂળ રામપર હાલ ગોંડલ વાળા તથા તેની સાથેના સાત જેટલા અજાણ્યા ઈસમો સહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી પરીક્ષિતસિંહના પિતાજીને આજથી આઠ મહિના પહેલા ગામના કૌટુંબિક બલભદ્રસિંહ સાથે ગામમાં આવેલ રામાપીરના મંદિરના ધૂળના ઢગલા બાબતે બોલાચાલી ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ઉપરોક્ત આરોપી રામદેવસિંહ ગોંડલ વાળો ગઈ તા.૦૭/૧૨ ના રોજ રાત્રીના અઢી-ત્રણ વાગ્યે ઇકો સ્પોર્ટ્સ કાર, થાર કાર અને સ્વીફ્ટ કારમાં નાના રામપર આવી ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી વરંડામાં પાર્ક કરેલ સ્વીફ્ટ ડિઝાયર રજી. નં. જીજે-૦૩-એચકે-૬૬૨૦ તથા મારુતિ આર્ટિગા કાર રજી.નં. જીજે-૩૬-એલ-૬૬૨૦ માં ધોકા પાઇપ વડે ઘા મારી નુકસાની કરી તેમજ સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યા હતા, અને લોખંડના દરવાજામાં પણ કોઈ સાધન વડે હોલ કરી નાખ્યો હતો. તે દરમિયાન રાડા રાડી થતા તમામ આરોપીઓ પોતાની કારમાં નાસી ભાગી ગયા હતા. હાલ ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.









