ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી કુલ ૧૩૨ જેટલા લોકોને તેઓના વિશિષ્ટ કાર્યો બદલ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના પણ છ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે જેમાં એક નામ છે વૈધ દયાળજી પરમાર જેઓ મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી છે અને તેઓએ આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી અને સામાન્ય દરજી પરિવારમાં વર્ષ ૧૯૩૪માં જન્મેલા વૈધ દયાળજી માવજીભાઈ પરમાર (દયાળજી મુની) એ જામનગર આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે અને આ સિવાય તેઓ અનેક પદ ભોગવી ચૂક્યા છે તેમજ આ દરમિયાન તેઓએ વર્ષોની મહેનત કરી ને આયુર્વેદ ક્ષેત્રમાં એક ક્રાંતિ કહી શકાય તે રીતે આયુર્વેદ ને લગતા પ્રાચીન ગ્રંથો નુ ગુજરાતીમાં અનુકરણ કરી ને આયુર્વેદ ક્ષેત્રને એક મોટી મદદ પૂરી પાડી છે તેમજ તેઓએ ૫૫ જેટલા વિવિધ પુસ્તકો પણ લખ્યાં છે અને આયુર્વેદ કોલેજના ગ્રંથાલયમાં પણ તેઓના દ્વારા લખાયેલ (લેખક દયાળજી મુની) પુસ્તકો હજુ પણ ખૂબ ઉપયોગી થઇ રહ્યા છે તેઓએ આતુર વિદ્યા,શલ્ય વિજ્ઞાન ભાગ ૧ અને ૨,વિદ્યોદય,શાલક્ય વિજ્ઞાન ભાગ ૧ અને ૨,કાય ચિકિત્સા ભાગ ૧ થી ૪,સ્વસ્થ વૃત ભાગ ૧ -૨,રોગ વિજ્ઞાન સહિત આઠ જેટલા આયુર્વેદ વિશ્વ વિદ્યાલય માન્યતા પ્રાપ્ત પુસ્તકો પણ લખ્યાં છે.તેમજ ચાર વેદો ના ૨૦૩૯૭ સંસ્કૃત શ્લોકો નુ ગુજરાતીમાં અનુવાદ કરી ને પણ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે તેઓને વર્ષ ૨૦૦૮ માં રાજ્યપાલ નવલકિશોર શર્મા ના હસ્તે પણ આયુર્વેદ પુરષ્કાર ,૨૦૦૯ માં રાજકોટ ખાતે આયુર્વેદ રાષ્ટ્રીય સંમેલનમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર,૨૦૧૦ માં મુંબઇ ખાતે આર્ય સમાજ સંમેલનમાં આર્ય કર્મયોગી પુરસ્કાર,૨૦૧૧ માં ઇન્ટરનેશનલ આયુર્વેદ સંગઠન દ્વારા અને ૨૦૧૩ માં વાન પ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સિવાય પણ અનેક સન્માનો અને પુરસ્કારો તેઓએ પ્રાપ્ત કર્યા છે.
હાલમાં તેઓ આર્યસમાજ સાથે જોડાયેલા છે અને આર્યસમાજ ના નિયમો નુ ચુસ્ત પાલન કરી ને તેઓ ટંકારામાં પોતાના નિવાસ સ્થાને જીવન વ્યતીત કરી રહ્યા છે અને તેઓના પરિવારમાં પણ અત્યારે કોઈ નથી અને જૈફ વય ને કારણે હવે લેખન કાર્ય કરતા નથી પંરતુ ભૂતકાળમાં તેઓએ નિસ્વાર્થ કરેલ કાર્યો ની ભારત સરકાર દ્વારા નોંધ લઈને આજે તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આ મહાન કાર્યમાં તેઓએ પોતાની સ્વર્ગસ્થ પત્ની ને પણ શ્રેય આપ્યો હતો જ્યારે દિવસ રાત જોયા વગર તેઓ સતત લેખણકાર્યમાં વ્યસ્ત રહેતા હતા ત્યારે તેઓની સ્વર્ગસ્થ પત્નીએ તેઓને ખુબજ સહકાર આપ્યો હતો.