ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મિતાણા ગામે જાહેરમાં મોબાઈલમાં આઇપીએલની મેચનું લાઈવ પ્રસારણ જોઈ ઓનલાઇન રન ફેરનો જુગાર રમતા એકને પકડી લેવામાં આવ્યો હતો, પોલીસે આરોપી પાસેથી ચાર નંગ મોબાઇલ તથા રોકડા રૂ.૧,૮૦૦/- સહિત ૧૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, આ સાથે રન ફેરના જુગારમાં કપાત કરાવનાર અન્ય બે ઇસમોના નામની કબુલાત આપી હતી, હાલ ટંકારા પોલીસે જુગારધારા હેઠળ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, તાજેતરમાં TATA IPL સીરીઝ ચાલતી હોય તેમાં ટંકારા તાલુકાના મિતાણા ગામે રામજી મંદિરની ઉભી શેરીમાં, SRH & DC ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર મેચનું મોબાઇલ ફોનમાં ક્રીકેટ લાઇન ગુરૂ એપ્લીકેશન ઉપર લાઇવ ક્રીકેટ મેચનો સ્કોર બોર્ડ જોઇ લાઇવ પ્રસારણ જોઇ ક્રીકેટ મેચ ઉપર રન ફેરનો જુગાર રમી રમાડતા કિશનભાઇ મગનભાઇ બસીયા ઉવ.૨૭ રહે.મિતાણા તા.ટંકારાવાળો રન થાય ન થાય તેના ઉપર પૈસાની હાર-જીતનો જુગાર રમતા ટંકારા પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે પકડાયેલ આરોપી રન ફેરના જુગારની કપાત આરોપી સાગરભાઇ લાખાભાઇ બસીયા રહે. મિતાણા તા.ટંકારા તથા વિક્રમભાઇ જેઠાભાઇ બસીયા રહે. મિતાણા તા.ટંકારાવાળા પાસે મોબાઇલ ફોન મારફત કરાવતો હતો જેથી તે બંને આરોપીઓને ફરાર દર્શાવ્યા હતા. બીજીબાજુ ટંકારા પોલીસે ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા આરોપી કિશનભાઈ પાસેથી રન ફેરના આંકડા લખેલ ડાયરી, બોલપેન તથા રોકડ રૂપીયા ૧૮૦૦/- તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૮૦૦/- મુદામાલ કબ્જે લઈ, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.