ટંકારા તાલુકાના લજાઇ ચોકડી નજીક નામ વગરના કારખાના (ગોડાઉન) ભાડે રાખી ચલાવવામાં આવતા જુગારના અખાડા ઉપર ટંકારા પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા સંચાલક સહિત ૬ જુગારીને આબાદ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧.૬૩, મોબાઇલ, કાર સહિત ૬.૯૩લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકના સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન હેડ કોન્સ. જસપાલસિંહ જાડેજા, તથા કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી મળેલ કે, નરેશભાઇ ઇશ્ર્વરભાઇ પટેલ રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ વાળાએ, લજાઇ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનુ કારખાનુ (ગોડાઉન) ભાડેથી રાખી તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી, ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે ટંકારા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ભાડેના ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે કારખાનામાં જુગાર રમતા નરેશભાઇ ઇશ્વરભાઇ ચાપાણી ઉવ.૪૪ રહે.મોરબી લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી, ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા ઉવ.૬૯ રહે. મોરબી એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફલેટ, પ્રભુભાઇ નરભેરામભાઇ દેત્રોજા ઉવ.૬૨ રહે. મોરબી એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ, મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા ઉવ.૬૦ રહે.ઘુનડા (સજનપર) તા.ટંકારા, વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા ઉવ.૫૧ રહે. નવાગામ (લખધીરનગર) તા.જી.મોરબી તથા અમૃતભાઇ પિતામ્બરભાઇ જીવાણી ઉવ.૬૨ રહે. મોરબી બાયપાસ શીવધારા એપાર્ટમેન્ટ વાળા એમ કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૧,૬૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા કાર કી.રૂ.૫,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.