ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક પુરપાટ આવતી મોટરકારની જોરદાર ઠોકરે અતુલ શક્તિ રીક્ષા પલટી મારી જતાં ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક રીક્ષા ચાલક ટંકારાથી પાણીના ઢાંકણા લઈ રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી કારે રીક્ષાને ઠોકર મારતા ગંભીર ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે ટંકારા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, મૂળ રાજકોટમાં બજરંગવાડી વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી પંચાસર રોડ જનક સોસાયટીમાં રહેતા એહમદશાહ ઇબ્રાહીમભાઈ શાહમદારે ટંકારા પોલીસ મથકમાં આરોપી ફોરવ્હીલ કાર રજી.નં. જીજે-૧૫-સીબી-૯૮૦૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદીના નાનાભાઈ સાહિલ કે જેઓ તેના પરિવાર સાથે રાજકોટ રહી અતુલ શક્તિ રીક્ષા ચલાવતા હોય ત્યારે ગઈ તા. ૨૩/૦૮ના રોજ બપોરે સાહીલભાઈ રીક્ષા લઈને ટંકારા ચોકડીથીપાણીના ઢાંકણા રીક્ષાના ભરીને રાજકોટ જવા નીકળ્યા હતા. ત્યારે હરબટીયાળી ગામ નજીક પાછળથી આવતી મોટરકારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આગળ જઈ રહેલા રીક્ષાને પાછળથી જોરદાર ઠોકર મારતા રીક્ષા પલટી ખાઈ ગયી હતી, જેમાં રીક્ષા ચાલક સાહીલભાઈ દબાઈ ગયા હતા.
સ્થળ પર હાજર લોકોએ તરત જ તેમને બહાર કાઢી ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજીબાજુ અકસ્માત સર્જી ઉપરોક્ત કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ ટંકારા પોલીસે ફરિયાદી એહમદશાહની ફરિયાદને આધારે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.