મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં 1984 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 60% અને રાજ્ય સરકારનો હિસ્સો 40% છે. ત્યારે હવે આ યોજના ખાનગી સંસ્થાને સોંપવામાં આવનાર હોવાનું સામે આવતા ઓહાપો મચી જવા પામ્યો છે. ત્યારે મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા ટંકારા તાલુકા મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા ટંકારા મામલતદારને આવેદન પાઠવાઈ રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યના 72 તાલુકામાં પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલરાઈઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવી રહ્યું છે. આ અંગે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષના બજેટમાં 72 તાલુકામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રને સેન્ટ્રલાઈઝ્ડ કિચન કરી આ યોજનાનું ખાનગીકરણ કરી સ્વૈચ્છિક સંસ્થાને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટંકારા તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જણાવાયું છે કે, આ મામલે સેન્ટ્રલરાઈઝ્ડ કિચન શક્ય નથી. સેન્ટ્રલરાઈઝ્ડ કિચનમાં રાત્રિના સમયે રસોઈ બનાવી વાહન મારફતે દરેક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં રસોઈ સવારે 10 વાગ્યે પહોંચાડવામાં આવે છે. જેના કારણે બાળકોને વાસી રાંધેલ ખોરાક ખાવો પડશે. તેથી જો મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવામાં આવશે. તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેથી પીએમ પોષણ યોજનાને કેન્દ્રને સેન્ટ્રલરાઈઝ કિચનને ન સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે.