મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમ સંપૂર્ણપણે ભરાય ગયો છે. પાણીની સતત આવકને કારણે ડેમનો એક ગેટ ૧ ફુટ ખોલવામાં આવ્યો છે. જેથી નીચવાસના મોરબી તથા જામનગર જીલ્લાના ૧૧ ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
મોરબી જીલ્લાના ટંકારા તાલુકા ખાતે નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજનામાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમ પોતાની સંગ્રહશક્તિના ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયો છે. પરિણામે સલામતીના ભાગરૂપે ડેમનો એક ગેટ ૧ ફુટ જેટલો ખોલવામાં આવ્યો છે. સેક્શન અધિકારી એન.વી. પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ડેમની હાલની સપાટી ૪૮.૦૦ આર.એલ. મીટર (૧૫૭.૪૮ ફુટ) જેટલી પહોંચી ગઈ છે. હાલ ડેમમાં કુલ ૨૧.૩૮ ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડેમના નીચવાસના ગામોમાં વસવાટ કરતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
જેમાં ટંકારા તાલુકાના ગામોમાં નસીતપર, નાના રામપર જ્યારે મોરબી તાલુકાના મોટા રામપર, ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર, બેલા તેમજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું માવનું ગામ એમ કુલ ૧૧ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની, માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા તથા ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન તથા નાગરિકોને સાવચેત રહી સલામતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.