ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ જીવતીબેન પીપલીયાનું રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષકદિને થશે સન્માન
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના અનેક શિક્ષકો તન,મન અને ધનથી વિદ્યાર્થીઓના હિતાર્થે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે, શિક્ષણની સાથે સાથે અનેકવિધ સરકારી કામગીરીઓ સુપેરે નિભાવીને પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, કેટલાક શિક્ષકો શાળામાં માત્ર ભણાવવાનું જ કામ નથી કરતા, પરંતુ બાળકો સાથે દિલથી- મનથી જોડાઈને એમના ઘડતરનું કામ પણ કરે છે, એ શિક્ષકોને ખબર છે કે બાળકોને શું ગમે છે, કારણ કે આવા શિક્ષકો બાળકોની આંખની ભાષા પણ ઉકેલી શકે છે. આવો શિક્ષક જો સાહિત્યપ્રેમી હશે તો સોનામાં સુગંધ ભળે છે.આવા શિક્ષિકા એટલે ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયા તેઓ નીચલા ધોરણ (બાલ વાટીકાથી ધો.૫) માં પ્રેમથી કામ કરી રહ્યાં છે. પોતે M. A. M. Ed થયેલાં છે,છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરનાર આવા ગિજુભાઈની વ્યાખ્યાને મૂર્તિમંત કરતા શિક્ષિકા જીવતીબેને સીઆરસી કક્ષાના પ્રતિભાશાળી શિક્ષક,તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ B. L. O. એવોર્ડ જિલ્લા કક્ષાએ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, શ્રેષ્ઠ લેખક સન્માન શિક્ષક,નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા, શિક્ષક રત્ન એવોર્ડ વગેરે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે,તેમજ
લખધીરગઢ શાળાને શ્રેષ્ઠ એસ. એમ. સી. એવોર્ડ પ્રાપ્ત થયેલ છે,ગુજરાત યોગ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા (૨૦૨૩) પાસ કરી, યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ બાવન વર્ષની ઉંમરે મેળવેલ છે.ઈ.સ.૨૦૨૦ કોરોના કાળમાં આખું જગત થંભી ગયું હતું એ સમયે મળેલ અવકાશમાં જીવતીબેને કલમ હાથમાં પકડી, આફતને અવસરમાં બદલી. એમને લેખન કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં આઠ પુસ્તક પ્રકાશિત થયાં છે.એ પૈકી ત્રણ પુસ્તકને સાહિત્ય અકાદમીએ મંજૂર કરી આર્થિક સહાય પણ આપી છે.એમનું સાહિત્ય સર્જન -‘પરીબાઈની પાંખે’ બાળગીત સંગ્રહ
‘હાથીદાદાની જય હો’ બાળવાર્તાસંગ્રહ
‘નટખટ’ (કૃષ્ણ જીવનચરિત્ર)
‘દેશથી પરદેશ સુધી’ કાવ્યસંગ્રહ સંપાદન
‘પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત’ કાવ્યસંગ્રહ સંપાદન ઝળહળતા તારલા’ – ૧૦૮ કવિ પરિચય જાદુઈ જપ્પી’ – બાળવાર્તાસંગ્રહ
‘આવો, કહું એક વાર્તા’ બાળવાર્તાસંગ્રહ વગેરે છે.
હાલ જીવતીબેન આર્ય સમાજ સાથે જોડાયેલા છે આર્યવિરાંગના દળના સભ્ય છે, ટંકારા શહેર ઉમિયા મહિલા સમિતિના પ્રમુખ છે. ટંકારા ઉમિયા સમૂહ લગ્ન સમિતિમાં ઉપપ્રમુખ છે. અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષની પણ જવાબદારી નિભાવી રહ્યા છે,એમના પ્રયત્નોથી વર્ષ 2012 માં ઓછી સુવિધાવાળી શાળા આજે તમામ સુવિધાઓથી સજ્જ છે જે દાતાઓના સહયોગથી જ શક્ય બન્યું છે.લોક ભાગીદારીથી જમીન સંપાદન, દાતાઓના સહયોગથી પ્રજ્ઞા વર્ગમાં શૈક્ષણિક ટાઇલ્સ, નાફેડના ચેરમેન સ્વ. વાઘજીભાઈ બોડાના સહયોગથી પ્રાઇવેટ કમ્પ્યુટર લેબ અને ત્રણ પ્રોજેક્ટર, મેદાનમાં પેવર બ્લોક, રેફ્રિજરેટર, કમ્પ્યુટર રૂમનું ફર્નિચર, યુનિફોર્મ બાળકોને શૈક્ષણિક કીટ (કાયમી દાતા) તમામ સુવિધાઓ દાતાઓના સહયોગથી મેળવેલ છે. આમાં મારો રોલ એટલો જ છે કે હકારાત્મક દ્રષ્ટિ કોણ સાથે વાલીઓ સાથે સુસંવાદ! જેના કારણે સમગ્ર ગામ લગભગ દાન આપે છે.આવા મહેનતુ, લેખિકા શિક્ષિકા જીવતીબેન પીપલીયાનો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ચોમેરથી અભિનંદન પાઠવવામાં આવી રહયા છે