ટંકારા તાલુકાના ગણેશપર ગામે આવેલ જમીન ઉપર ગામના જ એક શખ્સ દ્વારા કબજો કરવો હોય જે મેલી મુરાદ પુરી ન થતા જે બાબતનો ખાર રાખી, આરોપી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ જમીનના મૂળ માલીકનું મોટરસાયકલ આંતરી તેની સાથે બોલાચાલી ઝઘડો કરી, ઢીકાપાટુનો માર મારવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા ધર્મેશભાઈ મુળજીભાઈ ભાગીયા ઉવ.૩૩ વાળાની જમીન ગણેશપર ગામમાં આવેલી હોય, જે આ ગામમાં જ રહેતા બળવંતભાઇ દ્વારા આ જમીન ઉપર કબજો કરવા માગતા હોય, જે બાબતે ધર્મેશભાઈ ભાગીયાને આજથી છ એક મહીના પહેલા બોલાચાલી થયેલ હતી. જે બાબતનો ખાર રાખી ગઈ તા.૧૬/૦૩ ના રોજ ધર્મેશભાઈ પોતાનું મોટરસાયકલ લઇ વાડીએ જતા હોય તે દરમ્યાન બળવંતભાઇએ તેનું મોટરસાયકલ આડુ રાખી, ધર્મેશભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી, લાકડી વડે મુઢ માર મારી તથા ગંદી બિભત્સ ગાળો આપતા હોય તે દરમિયાન ગણેશભાઇ નરશીભાઈ દેવડા તથા સંદિપભાઇ બળવંતભાઈ દેવડા એમ બન્ને ઈસમો પાછળથી આવી, ધર્મેશભાઈને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. જે બાદ બળવંતભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રણેય ઈસમો ત્યાંથી ચાલ્યા ગયા હતા. સમગ્ર બનાવ બાદ સમાજના વડીલો મારફત સમાધાનની વાત ચાલતી હોય જેમાં સમાધાન ન થતા ધર્મેશભાઈએ ગઈકાલે ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.