ટંકારા પોલીસે લજાઈ-હડમતીયા રોડ પરથી સી.એન.જી. રીક્ષામાં ૨૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મંગાવનાર સહિત ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દેશી દારૂ મોકલનાર ઇસમનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે રીક્ષા અને દારૂ સહિત રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા પોલીસ ટીમ મોડી રાતે નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ગામથી હડમતીયા જતા રોડ પર ગોકુલ હોટલ નજીક એક ઝુપડા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી સી.એન.જી. રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૦૮૯૦ ચેક કરવામાં આવી હતી, ત્યારે રીક્ષામાંથી આશરે પાંચ-પાંચ લીટર ભરેલ કોથળીઓમાં ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર મળી આવ્યો હતો. જેથી આરોપી રીક્ષા ચાલક નુરમામદભાઈ સુલેમાનભાઈ સમા ઉવ.૩૨ રહે. વીસીપરા મોરબી મૂળ સામખીયારી તા.ભચાઉ જી.કચ્છ વાળા તથા પાછળ બેઠેલા આરોપી રહીમભાઈ ઈશાકભાઈ નોતીયાર ઉવ.૩૩ રહે. મોરબી વીસીપરા કુલીનગર-૨ વાળાની અટક કરી હતી, જ્યારે રીક્ષા પાસે ઉભેલા આરોપી રાહુલભાઈ સુરાભાઈ વાઘેલા ઉવ.૨૪ રહે.લજાઈ ગામથી હડમતીય રોડ ના કાંઠે ઝુંપડા વાળા દ્વારા આ દારૂ મંગાવાયેલ હોવાનું ખુલ્યું હતું. જેથી ત્રણેય આરોપીઓની સ્થળ ઉપરથી ધરપકડ કરાઈ હતી. પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં આ દેશી દારૂ મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા કરીમભાઈ જામ મિયાણા દ્વારા આપવામાં આવ્યો હતો. જેથી તે આરોપીને ફરાર જાહેર કરી ટંકારા પોલીસે દેશી દારૂ તથા સીએનજી રીક્ષા સહિત રૂ.૯૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.









