ઘરની બહાર ખુલ્લામાં ખાટલામાં સુતા ખેડૂત પર હુમલો, કુતરો છોડતાં હુમલાખોરો દિવાલ કૂદીને ભાગી છૂટ્યા.
ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલા મીતાણા ડેમ ૧ પાસે એક વાડીમાં રહેતા ખેડૂત યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં તેઓને માથામાં ગંભીર ઇજા થઈ હતી. ખેડૂત યુવકે પોતાનો કૂતરો છોડતા ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટંકારા તાલુકાના મીતાણા ગામમાં ડેમ-૧ પાસે આવેલ હાકડીયા પીરની દરગાહ પાસે વાડીએ આવેલ ઘરમાં પરિવાર સાથે રહેતા અમિતભાઈ રહીમભાઈ ઠેબા ઉવ.૩૦ જે જેઓ ગત તા.૧૨ એપ્રિલની રાતે પોતાના ઘરે, વાડીના ખુલ્લા કમ્પાઉન્ડમાં પરિવાર સાથે અલગ અલગ ખાટલામાં સુતા હતા, ત્યારે રાત્રે લગભગ ૧:૦૦ વાગ્યા આસપાસ ત્રણેક અજાણ્યા શખ્સોએ અમિતભાઈ ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, હુમલાના કારણે તેઓ જોરથી બુમા પાડતા પત્ની પણ જાગી ગઈ હતી. હુમલાખોરોએ અમિતભાઈને માથામાં લોખંડ જેવી વસ્તુથી ઘા માર્યા હતા. તેમ છતાં અમિતભાઈ ગેટ તરફ દોડી ગયા અને ત્યાં બાંધેલો પોતાનો કુતરો છોડી દેતા, ત્રણેય અજાણ્યા હુમલાખોરો દિવાલ કૂદી ભાગી ગયા હતા. ઘટના બાદ આજુબાજુમાં રહેતા અમિતભાઉના કુટુંબીઓ ભેગા થયા હતા, ત્યારે ઇજાગ્રસ્ત અમિતભાઈને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેતા અમિતભાઈએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.