ટંકારા-લતીપર રોડ પર આજી નદીના પુલનું સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે કલેકટરના જાહેરનામા મુજબ ભારે વાહનોનો પ્રવેશબંધી હોવા છતાં એક ટ્રક ડ્રાઈવરે પોતાનો ટ્રક ગફલતભરી રીતે હંકારી આડશ માટે રાખવામાં આવેલ ગેંટ્રી ગર્ડર સાથે ટ્રક અથડાવી કિ.રૂ. ૧૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. હાલ ટંકારા પોલીસ મથકમાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેરે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે જાહેરનામાનો ભંગ અને સાર્વજનિક મિલ્કતને નુકસાન સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી રાહુલભાઈ રાજેશભાઈ લખતરીયા ઉવ.૩૮ કે જેઓ અધિક મદદનીશ ઇજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ મોરબી એ ટ્રક રજી.નં. એચઆર-૪૬-એફ-૩૧૭૮ ના ચાલક આરોપી સમીમ મુસ્તાકભાઈ ખાન ઉવ.૨૩ રહે.કુરકાન્યા તા.નગર જી.ભરતપુર રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ બપોરે ટંકારા-લતીપર રોડ પર આવેલા આજી નદીના પુલ પર એક ટાટા કંપનીના ટ્રક ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે તથા બેદરકારીપૂર્વક ચલાવી, સરકારી ગેંટ્રી ગર્ડરને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરોક્ત ગેંટ્રી ગર્ડરને આશરે કિ.રૂ. ૧૫,૦૦૦નું નુકસાન થયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ટ્રક ડ્રાઈવરે નિયમનો ભંગ કર્યો હતો. હાલ મદદનીશ ઇજનેરની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ટ્રક ચાલક આરોપી વિરુદ્ધ બીએનએસ, એમવી એક્ટ તથા સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.