મોરબીના લીલાપર રોડ ખાતે રહેતા ત્રણ મિત્રો મોટર સાયકલમાં રાજકોટ જતા ટંકારા નજીક નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં ટંકારા તરફથી આવતા ટ્રકે ડિવાઈડરની કટમાંથી અચાનક વળાંક લેતા મોટર સાયકલ ટ્રકના જોટા સાથે અથડાયું હતું ત્યારે ટ્રક અને મોટર સાયકલની વચ્ચે દબાઈ ગયેલ ત્રણ પૈકી બે યુવકોનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ટંકારા, મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ સારવાર લઈ રહેલ યુવક દ્વારા ટ્રક ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના લીલાપર રોડ જકાતનાકા પાસે રહેતા અબજલશા ફિરોજશા કારાણી ઉવ.૧૮ એ ટંકારા પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૦૩-ટી-૪૧૧૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૮/૦૧ના રોજ અબજલશા તથા તેના બે મિત્રો કમાલશા મમુદશા શાહમદાર તથા ઇરફાનશા હુશૈનશા શાહમદાર એમ ત્રણેય મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-પી-૦૧૪૭ વાળું લઈને રાજકોટ જતા હોય ત્યારે ટંકારા ગામ નજીક દ્વારકાધીશ જીન સામે ટંકારા તરફથી આવતા ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાનું વાહન આગળ પાછળ જોયા વગર એકદમ ડિવાઈડરની કટમાંથી ટર્ન લઈ લેતા સામેથી આવતા ટ્રિપલ સવારી બાઇક ટ્રકના જોટ્ટા સાથે અથડાયું હતું, ત્યારે આ અકસ્માતના બનાવમાં મોટર સાયકલ ચાલક ઇરફાનશા અને પાછળની સીટમાં છેલ્લે બેસેલ કમાલશા બાઇક અને ટ્રકમાં દબાઈ જતા તે બંનેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ફરિયાદી અબજલશાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ ટંકારા બાદ મોરબી જ્યાંથી રાજકોટ રીફર કરવામાં આવેલ જ્યાં હાથ, પગમાં ફ્રેકચર અને શરીરે સામાન્ય છોલ છાલની સારવાર લીધેલ હોય, હાલ ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.