ટંકારા: વાંકાનેરના વતની પોતાના મિત્ર સાથે મોરબીથી વાંકાનેર જતા સમયે મહિલા ચાલક દ્વારા બેદરકારીથી ચલાવીને આવતા ઈ-બાઈકની ટક્કરથી રોડની સાઈડમાં ઉભેલા યુવકને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ અકસ્માતનો આ બનાવ ટંકારા પોલીસ મથક વિસ્તારમાં બનેલ હોય જેથી ફરિયાદ ટંકારા પોલીસ સ્ટેશને ટ્રાન્સફર થતા, ટંકારા પોલીસે આરોપી ઈ-બાઇક ચાલક મહિલા સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરના સહજાનંદ શેરી, મેઇન બજારમાં રહેતા વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખા ઉવ.૩૩ કે જેઓ મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે સેવા બજાવે છે. તેઓ ૧૬ જુલાઈ ૨૦૨૫ની રાત્રે પોતાના મિત્ર રાકેશભાઈ બટુકભાઈ કુબાવત સાથે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે-૦૩-ડીબી-૭૮૬૨ ઉપર મોરબીથી વાંકાનેર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સજનપર-ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન નજીક મિત્રને બાથરૂમ લાગતા, વિક્રમભાઈ મોટરસાયકલ રોડની સાઈડમાં રાખી ઉભા હતા ત્યારે એક નંબર વિનાનું ઈ-બાઈકની ચાલક મહિલાએ પોતાનું વાહન પુરઝડપે ચલાવી આવી રોડ સાઈડના ઉભેલ વિક્રમભાઈ સાતગે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અકસ્માત સર્જનાર ઈ-બાઇક ચાલક આરોપી નીયતીબેન મનિષભાઈ અગ્રાવત રહે. ઈડન હિલ્સ રોયલ એવન્યુ ધુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે ટંકારા પોલીસને તપાસ ટ્રાન્સફર કરતા, ટંકારા પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.