ટંકારા તાલુકાના વિરપર ગામે ખેડૂતને ખેતીની જમીન છોડીને જતા રહેવાનું કહી ડરાવી-ધમકાવી બે શખ્સો દ્વારા છરી તથા હથિયાર બતાવી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો, સાથે સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર ખેડૂત દ્વારા માથાભારે બંને ઈસમો સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના વચલું ફળીયું ગામ ડુમકાના વતની હાલ મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર રાજીવભાઈ પટેલની વાડીમાં રહેતા બળવંતભાઈ શનાભાઈ પસાયા ઉવ.૩૫ નામના ખેડૂતે આરોપી મેરૂભાઈ રામજીભાઈ ભુમ્ભરીયા રહે.વિરપર તથા આરોપી કિશોરભાઇ ધનજીભાઈ ટમારીયા રહે.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૮/૦૨ના રોજ બળવંતભાઈ વિરપર ગામની સિમમા હિનાબેન હરજીવનભાઈની વાડીની બાજુમા આવેલ વાડીએ હાજર હોય તે દરમિયાન બંને આરોપી પોતાની કાળા કલરની ફોરવીલ સ્કોર્પીઓ ગાડી લઈ ફરીયાદીની વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી ડરાવી ધમકાવી જમીનનો કબ્જો કરી લેવાની કોશીશ કરી ખેતીવાડી જમીન છોડી જતુ રહેવા માટે ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી મેરુભાઈએ શર્ટ ઉંચો કરી હથિયાર બતાવ્યું અને આરોપી કિશોરભાઈએ છરી બતાવી બન્ને આરોપીઓએ બળવંતભાઈને જાતી પ્રત્યે અપમાનીત કરી બંને માથાભારે શખ્સો જતા રહ્યા હતા. હ ટંકારા પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.