મોરબીના રાજપર રોડ પર માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જ્વલનશીલ પદાર્થ લઈને જઈ રહેલ ટેન્કર બાળકીને બચાવવા જતા રોડ સાઈડમાં ઉતરી ગયું હતું અને દીવાલ સાથે અથડાયું હતું.જેના કારણે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તેમજ મોરબી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ સાપર જીઆઇડીસીથી GJ-03-AX-7374 નંબરનું ટેન્કર ૨૦,૦૦૦ લીટર સિલીકેટ નામનું જ્વલનશીલ પદાર્થ ભરી આમરણ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં નાખવા જઈ રહ્યું હોય ત્યારે ટેન્કરને મોરબીના રાજપર રોડ પર અકસ્માત નડ્યો હતો.જેમાં રાજપર રોડ પર અચાનક એક બાળકીએ રોડ ક્રોસ કરતા તેને બચાવવા જતાં ટેનકર દીવાલ સાથે અથડાયું હતું.ત્યારે ટેન્કરમાં સિલીકેટ નામનું જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી.જો કે, ટેન્કરનાં ડ્રાઇવરનો આબાદ બચાવ થતા કોઈ જાનહાની સર્જાઈ ન હતી.તેમજ બાળકી ને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી. અને સ્થળ પર પહોંચી ટેન્કર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને કોઈ મોટી જાનહાની સર્જાતા ટળી હતી.