મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અને હળવદના સામાજિક કાર્યકર તપનભાઈ દવેએ અંગદાનનો સંકલ્પ કર્યો છે. એક વ્યક્તિના અંગદાન થકી ૫ થી ૬ વ્યકિતના જીવનમાં અજવાળા પથરાય છે. ત્યારે “યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ દેહદાન” સૂત્રને તપનભાઈ દવે સેવાભાવી યુવાને ચરિતાર્થ કરી બતાવ્યું છે….
મોરબી જિલ્લાના હળવદના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી અંગદાન અંગે ભારત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની www.nottoabdm.gov.in પર જઈને અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી છે. જેમાં પોતાના અંગો જેવા કે લીવર, કિડની, હ્રદય, ફેફસાં, આંખો, સ્વાદુપિંડ સહિત વિવિધ અંગોનું દાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી છે. અને અન્ય લોકોને પણ અંગદાન માટે સંકલ્પ લેવા માટે અનુરોધ કરીને “અંગદાન મહાદાન” તથા “માનવ સેવા એ જ પ્રભુ સેવા” સૂત્રને ચરિતાર્થ કરી બતાવ્યું છે. તપનભાઇ તે અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે દેહદાન અને અંગદાન આ બે પ્રકારે આપણે દાન કરી શકીએ છીએ. દેહદાનનો સંકલ્પ કર્યો હોય તે વ્યક્તિનું કુદરતી રીતે મૃત્યુ થાય એટલે તેને નક્કી કરેલી મેડિકલ કોલેજ માં દેહદાન કરવાનું રહે છે જેનાથી મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે દેહદાન કરનારનું શરીર અભ્યાસ માટે ઉપયોગી બને છે. અને આંખોનું દાન પણ કરી શકાય છે. કોઈ વ્યક્તિને બ્રેઈન સ્ટોક અથવા હેમરેજ થાય ત્યારે તેને આઇ.સી.યું માં દાખલ કર્યા હોઈ અને તે વ્યક્તિને બચાવવા માટેના પ્રયત્નો સફળ ન થાય ત્યારે ડોક્ટર્સ દ્વારા એપેનીયા ટેસ્ટ કરવામાં આવે છે અને જો એ ટેસ્ટ પોઝિટિવ આવે તો એ નક્કી થાય છે કે આ વ્યક્તિ બ્રેન ડેડ છે. અને કોઈ પણ જ સારવાર કારગત ન નીવડે તેવા સંજોગોમાં પરિવારજનોની સંમતિથી વિવિધ અંગોનું દાન કરવામાં આવે છે. અને તે અંગો જે વ્યક્તિને જરૂર છે તે વ્યક્તિનેં પ્રત્યારોપણ કરવામાં આવે છે. એક વ્યક્તિનાં અંગદાનથી અન્ય ૫ થી ૬ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય છે. અંગદાન એક એવું દાન છે કે જેને ઓળખતા પણ નથી પરંતુ તે વ્યક્તિ પોતાના અંગો ડેમેજ થવાથી પીડાય રહ્યા હોય તે અંગો પ્રત્યારોપણ માટે જે તે વ્યક્તિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સંસ્થા NOTTO અને SOTTO દ્વારા નક્કી કરેલ પ્રાયોરીટી પ્રમાણે કોઈ જ પ્રકારની લાગવગ વિના ઉપલબ્ધ કરાવામાં આવે છે. જે વ્યક્તિને અંગનું દાન મળે છે તે વ્યક્તિ અને તેના પરિવારજનોના જીવનમાં અંધકાર દૂર થઈ અને અજવાળા થાય છે. ત્યારે અહીં એ પણ સમજવાનું છે કે અંગદાન કરનાર વ્યક્તિનું અંગદાન થઈ ગયા પછી વ્યક્તિ નાસ્વર દેહની અંતિમ વિધિ પોતાની ધાર્મિક પરંપરા મુજબ કરી શકાય છે. અત્રે મહત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિ આકસ્મિક કારણોસર બ્રેઈન ડેડ જાહેર થાય ત્યારે જ અંગદાન કરી શકે છે. માટે ભારત દેશના દરેક નાગરિકે અંગદાન અંગે સંકલ્પ લેવો જોઈએ જેથી કોઈના જીવનમાં અજવાળા લાવવામાં નિમિત્ત બની શકીએ. ત્યારે આ સાથે આપેલ QR CODE ના માધ્યમથી અંગદાન અંગે દેશના કોઈ પણ નાગરિક સ્વેચ્છાએ અંગદાન માટે સંકલ્પ લઈ શકે છે. અને અન્યના જીવન બચાવવામાં નિમિત્ત બની શકે છે. “યુવાની માં રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન” સૂત્ર ચરિતાર્થ કરતા તપન દવેએ અત્યાર સુધી માં ૩૮ વખત રક્તદાન કરી ચૂક્યા છે. અને મૃત્યુબાદ અંગદાનનો સંકલ્પ લઈને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે….