મોરબીના સિરામિક ઉદ્યોગમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા પ્રતિબંધિત પેટકોક એટલે કે પ્રદુષણ ઓકતા પેટ્રોલીયમ કોલસાનો ઉપયોગ કરતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા તપાસના ધમધમાટ વચ્ચે છ કારખાનેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ ફટકારતા આવતા સિરામિક ઉદ્યોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.
મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આમ તો ઝીરો ઇમ્યુશન એટલે કે પોલ્યુશન ફ્રી તરફ આગળ વધી રહી છે પરંતુ કેટલાક ઉદ્યોગકારો દ્વારા મોરબીની વૈશ્વિક શાખને નુકશાન પહોચે તેવું કૃત્ય કરી પ્રતિબંધિત પેટકોકનો વપરાશ શરૂ કરાતા સિરામિક માલિકોમાં જ વિરોધ ઉઠ્યો છે. મોરબીમાં હજારો સિરામિક એકમો આવેલા છે જેમાં ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગો પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા સમગ્ર સિરામિક ઉદ્યોગ બદનામ થતાં સિરામિક એસોસિએશનના આગેવાનો પણ પેટકોકના વપરાશ વિરુદ્ધ હોવાનું જાણવા મળી રહયું છે. આ સાથે જ પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા હાલમાં ગુપ્તરાહે પેટકોક વપરાશ કરતા સિરામિક એકમો મામલે તપાસ ચાલુ હોવાનું પણ સતાવાર સૂત્રોએ જણાવી રહ્યા છે. મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારી મહેન્દ્ર સોનીએ સમગ્ર મામલે જણાવતા કહ્યું હતું કે મોરબીમાં પ્રતિબંધિત પ્રદુષણ ફેલાવતા પેટકોક એટલે કે પેટ્રોલિયમ કોલસાના ઉપયોગ મામલે ફરિયાદ મળતા કચેરી દ્વારા સેમસંગ સિરામિક, સિલિકોન સિરામિક, રિકોન સિરામિક, જેન્યુઇન સિરામિક, ક્રિષ્ના વિજય સિરામિક અને શિવાય ટેરાકોટા ઇન્ડસ્ટ્રીઝ એમ કુલ છ ફેકટરીઓ વિરુદ્ધ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતા ગાંધીનગરથી દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.