મોરબીમાં માતાના ઠપકાથી લાગી આવતા ઘર છોડીને નિકળી ગયેલી ૧૭ વર્ષની કિશોરીનું ૧૮૧ મહિલા અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.
૧૮૧ મહિલા અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે, એક ખુબ જ ગભરાયેલી કિશોરી રસ્તામાં આમતેમ ફરે છે, રડે છે તથા કશી ચિંતામાં છે અને કોઈનું કઈ પણ માનતી નથી જેથી તેની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે. જેના પગલે ૧૮૧ ની ટીમ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચી હતી. કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતી, ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કિશોરી ખુબ જ ગભરાયેલી હતી તેથી સાંત્વના આપી હતી.
કિશોરીના કાઉન્સિલીગ દરમિયાન કિશોરીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, તે પોતાના માતા અને ભાઈ સાથેના પરિવાર સાથે રહે છે, કિશોરીનો ભાઈ સાત મહિનાનો હતો ત્યારથી તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા, જેથી બંને ભાઈ-બહેન તેમના માતા સાથે રહે છે. વધુમાં કિશોરીએ જણાવ્યું કે, કામકાજ બાબતે તેમના માતા સાથે કિશોરીને અવર નવાર ઝગડા થયા કરે છે અને વારંવાર અપશબ્દો બોલતા હોય જેથી કંટાળીને મધ્યરાત્રિએ કોઈને પણ જાણ કર્યા વગર ઘર છોડીને નીકળી ગયી હતી. કિશોરીને ઘરે જઈ ૧૮૧ ટીમે કિશોરીના પરિવારના સભ્યોમાં માતા અને ભાઈ સાથે વાતચીત કરી અને સમગ્ર બાબતે કિશોરીના માતાએ જણાવેલ કે, તેઓ તેના પતિની ગેરહાજરીમાં બંને બાળકોનું જતન કરે છે મજુરી કામ કરીને પોતાના બાળકોની બધી જ જવાબદારી પુરી કરે છે, છતાં દિકરી ઘરમાં કોઈનું કાઈ પણ માનતી નથી અને ઘર કામકાજ બાબતે તેઓ કંઈ પણ બોલે તો તેમના સામે મોટા અવાજે બોલે છે અને વારંવાર ઘરની બહાર નીકળી જાય છે.
૧૮૧ ટીમે પરિવાર અને કિશોરીને નાની નાની બાબતે ઘર છોડીને ન જવા અને માતાને ઘરના કામકાજમાં મદદ કરવા સલાહ સુચન અને માગૅદશૅન આપ્યું હતું. તેમના માતા અને ભાઈને પણ કિશોરી સાથે અયોગ્ય વર્તન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી તથા કિશોરીનું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા પણ જણાવવામાં આવ્યું હતું. આમ કિશોરીએ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેથી કિશોરી અને તેના પરિવાર જનોને ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.