મોરબી સહિત જામનગર, રાજકોટ, કાલાવડ, માળીયા તથા હળવદ સહિત સાત ફાયર વ્હીકલ પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવાયો
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ રોયલ પોલીપેક કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી ત્યારે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગઈકાલે બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કારખાનામાં લાગેલ ભીષણ આગની મોરબી ફાયર ફાઇટર વિભાગને જાણ કરાઈ હતી ત્યારે ફાયર બનાવને મેજર કોલ ગણાવી મોરબી સહિત સાત ફાયર વ્હીકલની મદદથી ૧૨ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
મળતી વિગતો મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ મોરબી ફાયર વિભાગને આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ત્યારે આગ ફેક્ટરીમાં ચોતરફ ફેલાઈ ગયી હોય આગની જ્વાળાઓ તથા ધુમાડાના ગોતે ગોટા ચાર કિલોમીટર દૂરથી સુધી જોવામાં આવતા હોય જેથી લાગેલી વિકરાળ આગને ‘મેજર ફાયર કોલ’ જાહેર કરી જામનગર, કાલાવડ, રાજકોટ, હળવદ, માળીયા અને મોરબી સહિતના ફાયર બ્રિગ્રેડ વ્હીકલ મળી કુલ ૭ વ્હીકલ કામે લગાવવામાં આવ્યા હતા. ત્યારે આગની ઘટનાને પગલે મોરબી જીલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે ૧૨ કલાકની ભારે જહેમત બાદ લાગેલી વિકરાળ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ ક્યાં કારણોસર ફેક્ટરીમાં આગ લાગી હતી તેનું કારણ હજુ અકબંધ હોય સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થયાનું મોરબી ફાયર વિભાગના હેડ દેવેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે.