વધુ વ્યાજ માટે પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ધમકી, બે ભાઈઓ સામે ગુનો નોંધાયો.
મોરબીમાં એક ખેડૂતે કોરોના કાળ દરમિયાન ધંધા માટે વ્યાજે લીધેલા રૂ.૧૧ લાખના બદલામાં અત્યાર સુધી રૂ.૨.૪૩ કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતાં બે વ્યાજખોર ભાઈઓ દ્વારા વધુ વ્યાજની માંગણી અને પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની ધમકી તથા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હાલ પોલીસે બન્ને આરોપી વ્યાજખોર સામે આઈપીસીની કલમ તથા નાણા ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, શહેરના શનાળા રોડ ઉપર હાઉસીંગમાં બ્લોક નં. એમ-૭૬૪માં રહેતા મૂળ નેસડા(ખાનપર)ના વતની એવા ખેડૂત અને સ્ટેમ્પ વેન્ડર સુરેશભાઈ પ્રાગજીભાઈ ભાડજા ઉવ.૬૦ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ રામજીભાઈ ભલોડીયા અને અશ્વિનભાઈ રામજીભાઈ ભલોડીયા બન્ને રહે.શનાળા રોડ જીઆઇડીસી સામે આર્યનગર સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કોરોનાકાળમાં ધંધા માટે નાણાંની જરૂર પડતાં તેમણે ઉપરોક્ત બંને વ્યાજખોર પાસેથી રૂ.૧૧ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં સુરેશભાઈ નિયમિત રીતે દર મહિને વ્યાજ ચૂકવતા હતા. બાદમાં આરોપીઓએ અઠવાડિયામાં અલગ અલગ વારે વ્યાજ વસૂલવાની શરૂઆત કરી હતી. સોમવારે રૂ.૨૦,૦૦૦, મંગળવારે રૂ.૨૫,૦૦૦ અને ગુરુવારે રૂ.૯૦,૦૦૦ એમ દર અઠવાડિયે કુલ રૂ.૧,૩૫,૦૦૦ જેટલી રકમ વ્યાજ રૂપે લેવામાં આવતી હતી. આમ દર મહિને લાખો રૂપિયાનું વ્યાજ ચુકવવાનું થતું હતું. તેમાં પણ એકાદ મહિનો વ્યાજ ચુકવવામાં મોડું થાય તો તે રકમ મુદલમાં ઉમેરી વધુ વ્યાજની ગણતરી કરવામાં આવતી હતી. આ રીતે વર્ષ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ભોગ બનનાર ફરિયાદીએ રૂ.૨.૪૩ કરોડ જેટલી રકમ ચુકવી દીધી હોવા છતાં આરોપીઓ વધુ વ્યાજની માંગણી કરતા હતા. વ્યાજ ચૂકવવા માટે તેમણે પોતાના નેસડા-ખાનપર ગામની જમીન પણ વેચી નાખી હતી અને પરિવારજનો પાસેથી પણ લાખો રૂપિયા ઉછીના લઈને આરોપીઓને ચૂકવ્યા હતા.
લ તેમ છતાં વધુ રકમની માંગણી કરતા અને રૂપિયા નહીં આપે તો પરિવારને ઘરબાર વગરના કરી નાખવાની તેમજ ગુંડાઓ મારફતે નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. આથી આખરે કંટાળી ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









