ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
મોરબીના પ્રસિદ્ધ મહાદેવના મંદિરના પૂજારી યુવકને માતાના મેડિકલ બાબતે રૂપિયાની જરૂરિયાતના પગલે લીધેલ ચામડાતોડ વ્યાજના નાણા દિવસ સાતમા ચૂકવી દીધા હોવા છતાં યુવકને રવાપર રોડ સ્થિત કહેવાતા ફાયનાન્સરની ઓફિસે બોલાવી વધુ રૂપિયાની માંગણી કરી બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાલ ભોગ બનનાર દ્વારા હોસ્પિટલના બિછાનેથી વ્યાજખોર સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગેરકાયદેસર નાણા ધીરધાર પ્રતિબંધ અધિનિયમ સહિતની અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ ઓમશાંતિ સ્કૂલ નજીક ધરતી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૬ માં રહી મોરબીના ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામી ઉવ.૩૫ નામના યુવકે સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી તેમજ અન્ય અજાણ્યા ત્રણ સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે આરોપી શિવમભાઈ રબારી પાસેથી ચિરાગભાઈએ માતાના તાત્કાલિક આરોગ્ય બાબતે હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા ઉંચા વ્યાજે એક લાખ રૂપિયા લીધેલ હોય જે ચિરાગભાઈએ નક્કી કરેલ ઉંચા વ્યાજદરે વ્યાજ સહિત ૧.૦૮લકાખ રૂપિયા સાત દિવસમાં ચૂકવી આપ્યા હતા તેમ છતાં આરોપી શિવમભાઈ રબારીએ ફોન કરીને વધુ રૂપિયાની માંગણી કરીને જે બાબતે વેટ કરવી છે તેમ કહી ચિરાગભાઈને મોરબી રવાપર રોડ ઉપર સેલ પંપની સામે આવેલ હોથલ ફાઈનાન્સની ઓફીસે બોલાવી ત્યાં વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ઓફીસે હાજર આરોપીઓ શિવમભાઈ રબારી તથા તેના મિત્ર હિરાભાઈ રબારી તથા ત્રણ અજાણ્યા માણસોએ ભેગા મળી ચિરાગભાઈને મુંઢમાર મારી, આરોપી શિવમભાઇ રબારી તથા હિરાભાઈ રબારીએ ગાલ પર ફડાકા મારી લાકડી વડે પગ તથા પીઠના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે તમામ આરોપીઓ સને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી તમામ આરોપીઓની અટક કરવા તજવીજ શરૂ કરી છે.