મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આગામી કાયમી શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારા માટે આવેદનપત્ર પાઠવ્યું છે. જે આવેદન સંદર્ભે કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઉમેદવારોની રજૂઆતને વાંચ મળે તે હેતુથી આ અંગે મુખ્યમંત્રી, મોરબી જિલ્લા પ્રભારી મંત્રી, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીને પત્ર લખી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયક ભરતીની જગ્યા વધારવા માંગ કરી છે.
મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. જેથી અંદાજે 38730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7500 ની જાહેરાતથી અરજદારોને અન્યાય થાય એમ છે. 2023માં લેવામાં આવેલ TAT વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી TAT પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે. જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો ઉમેદવારોને ખૂબ અન્યાય થાય એમ છે કારણ કે, ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે અને તેમના પર પારિવારિક જવાબદારીઓ પણ હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકતા નથી. જેથી જેમ બને એમ 9 થી 12 (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)માં શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી કરવા માંગ કરાઈ છે.
મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોની સમગ્ર રજૂઆત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સાંભળી ત્વરિત આ અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી-માળીયા વિસ્તારના ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા તેમને રજુઆત કરવામાં આવી છે. એમની રજુઆત મુજબ ગુજરાત સરકાર તરફથી 7500 ની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાત રાજયમાં 38000 જેટલા ઉમેદવારોએ આ પરિક્ષા પાસ કરી છે. આ ઉમેદવારોની વય મર્યાદા પુર્ણ થવાને આરે છે. સને 2023 માં લેવાયેલ પરિક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી. જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરિક્ષા પાસ કરવી એવી પરિસ્થિતી ઉભી થાય એમ છે. પરિવારિક જવાબદારી અદા કરતા યુવક, યુવતીઓ માટે 15000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને સરકારી શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે.