મોરબી-જામનગર-રાજકોટ આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર દ્વારા શુક્રવાર તા. ૧૩-૦૨-૨૦૨૬ના રોજ કોયલી ગામ ખાતે અઢારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી આહિર સમાજ સમૂહ લગ્ન પરિવાર મોરબી-જામનગર-રાજકોટ દ્વારા આયોજિત અઢારમો સમૂહ લગ્નોત્સવ સંવત ૨૦૮૨ મહા વદ અગિયારસને શુક્રવાર તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોયલી ગામે આવેલા સમૂહ લગ્ન સભા મંડપ ખાતે યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન સમાજના જ્ઞાતીજનો, દાતાઓ અને કાર્યકર્તાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સમાજના તમામ સભ્યો અને નાગરિકોને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવ દરમિયાન મંડપ રોપણ, જાન આગમન, સામૈયા, છાબ ભરવાની વિધિ, હસ્ત મેળાપ, આશીર્વાદ સમારોહ, ભોજન સમારંભ અને કન્યા વિદાય જેવા માંગલિક અવસરો યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવથી સમાજમાં એકતા, સહકાર અને સામૂહિક સંસ્કૃતિને વધુ મજબૂતી મળશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.









