વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર તપોભૂમિ ટંકારા ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આકાશે દેશભક્તિના રંગો સાથે ગૌરવશાળી તિરંગો લહેરાયો હતો
આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ગરિમામયી તિરંગો લહેરાવી સલામી ઝીલ્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, અનેક લડવૈયાઓના બલિદાન થકી પ્રાપ્ત સ્વતંત્રતા અને બંધારણની ગરિમા જાળવવી એ આપણા સૌની પવિત્ર ફરજ છે. તેમણે ટંકારાના તેજસ્વી સંતાન મહર્ષિ દયાનંદજી સહિતના મહાપુરુષોને યાદ કરી, રાષ્ટ્રની એકતા માટે જવાનોની શહાદતને નમન કરતા વિરાસતના જતન માટે સૌ નાગરિકોને ભાવપૂર્ણ અપીલ કરી હતી.
મોરબીની વિકાસ ગાથા વર્ણવતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાજેતરમાં જ મળેલી રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ જિલ્લાની પ્રગતિને બમણો વેગ આપશે અને જિલ્લામાં કાર્યરત માળખાગત પ્રકલ્પોના કામ મોરબીને ગ્લોબલ મેપ પર મજબૂત સ્થાન અપાવશે. માળખાગત સુવિધાઓના આયોજન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, વનીકરણ અને પર્યાવરણ સંરક્ષણ, સહકાર, ગ્રામ્ય અને શહેરી વિકાસ, ઔદ્યોગિક ઉન્નતિ, રોજગાર, સમાજ કલ્યાણ, પોષણ, પીવાના પાણીનું સુઆયોજિત માળખું અને ‘નલ સે જલ’, સહિતના ક્ષેત્રે વહીવટી તંત્રની સિદ્ધિઓ અને પ્રશંસનીય કામગીરી અંગે વાત કરી કલેક્ટરએ વિવિધ વિભાગની દ્વારા યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને રોડ સેફ્ટી અને ઔદ્યોગિક સલામતી પર પણ ભાર મૂક્યો હતો. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મોરબી ‘ગ્રોથ એન્જિન’ સાબિત થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે સૌ નાગરિકોને ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ પાઠવી હતી. 
વહીવટી તંત્રની લોક-અભિમુખ કામગીરીનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના અધિકારીઓની ગામડાઓમાં આકસ્મિક તપાસ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી સેવાઓનું સઘન મોનિટરિંગ કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓને પણ ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને શાળાઓ સહિતમાં વિવિધ સેવાઓની ગુણવત્તા બાબતે સક્રિય બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ટંકારા તાલુકાના વિકાસ માટે મહાનુભાવોના હસ્તે ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ, માર્ચ પાસ્ટ અને આકર્ષક ડોગ-શો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે, ઓપરેશન સિંદૂર, ભારત કી શેરનીયાં, સંવિધાન સે સ્વાભિમાન તક, યોગ, અખંડ ભારત અને ગરબો તથા ભારતના વીર જવાનોની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી વિભાગના ટેબલો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ અને કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉર્મિલાબેન માંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારી, અગ્રણીઓ તથા ટંકારા નગરજનો અને દેશપ્રેમી જિલ્લા વાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









