મોરબીના કુખ્યાત હિસ્ટ્રીશીટર મુસ્તાક મીરની હત્યા બાદ શરૂ થયેલી મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર અને હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહની ગેંગવોરને કારણે મોરબીમાં 2017માં જાહેરમાં અંધાધુધ ફાયરિંગ અને હત્યાની ઘટના બની હતી. આ પ્રકરણમાં કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ આપ્યો છે.
વર્ષ 2017માં મોરબીના શનાળા રોડ પર મુસ્તાક મીરની 10 જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેને લઇ મુસ્તાકના ભાઈ આરીફે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્ર સિંહ ઝાલા ઉર્ફે હિતુભા,ધર્મેન્દ્ર સિંહ ઝાલા, મૂળરાજસિંહ જાડેજા અને પલ્લવ રાવલ સામે ફરિયદ નોંધાવી હતી. જૂની અદાવતને કારણે મુસ્તાક મીરની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જે બનાવમાં ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબી કોર્ટમાં ચાલતો હતો. જેમાં બચાવ પક્ષે વકીલ ભગીરથ સિંહ ડોડીયા, પિયુષ શાહ તેમજ જીતેન્દ્રસિંહ જાડેજાએ દલીલો કરી હતી. જે દલીલોને આધારે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરવામાં આવ્યો છે.