મોરબીના જાંબુડીયા ગામમાં આવેલ શક્તિપરા વિસ્તારમાં ગત વર્ષ ૨૦૨૧માં ઘર કંકાસને કારણે અલગ રહેતી પત્ની સાથે બોલાચાલી કરી કુહાડીના ઘા જીકી હત્યા કરવાના કેસમાં આરોપી પતિનો મોરબી સેસન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો હતો.આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદથી અલગ જ હકીકત આપતા તેઓને ફરી ગયેલા જાહેર કરી મોરબી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
કેસની ટુંક વિગત અનુસાર જાંબુડીયા ગામે રહેતા હંશરાજભાઈ મોહનભાઈ વિંજવાડીયા અને તેમની પત્ની વચ્ચે અવાર નવાર ઘર કંકાસ થતો હોય જેથી હંશરાજભાઈની પત્ની તેનાથી અલગ રહેતી હોય જેથી આ બાબતનો ખાર રાખી વર્ષ ૨૦૨૧માં જાંબુડીયા ગામના શક્તિપરા વિસ્તારમાં હંશરાજભાઈની પત્ની કપડાં ધોવા આવ ત્યારે હંશરાજભાઈએ તેમની પત્નીને કુહાડીના ઘા મારી તેની હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ ફરિયાદીએ તેમના પિતા સામે નોંધાવતા મોરબી તાલુકા પોલીસ દ્વારા હંશરાજભાઈની અત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે ઉપરોક્ત હત્યા કેસમાં આરોપી હંશરાજભાઈ તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા દ્વારા આ કેસના ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો તથા ડોકટર તેમજ તપાસ કરનાર અધીકારીની સેસન્સ કોર્ટમાં જુબાની લેવામાં આવેલી ત્યારે તમામ પુરાવાના અંતે આરોપીના વકીલની દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ જેથી ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને મૃતકના સગાવ્હાલાઓ તથા અન્ય સાક્ષીઓ દ્વારા ફરિયાદને સમર્થન પણ ન આપતા હોય જેથી ઉપરોકત બાબતે બંન્ને પક્ષકારોની તમામ દલીલોને સાંભળ્યા બાદ મોરબી સેસન્સ કોર્ટ જજ દ્વારા આરોપીપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી હંશરાજભાઈ મોહનભાઈ વિંજવાડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.