વાંકાનેરમાં ઢુવા માટેલ રોડ પર લેબર કોલોનીમાં રહેતા દંપતી વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી. જેને લઈ ઉશ્કેરાયેલ પતિએ પત્નીના માથા પર બળતણનું લાકડું ફટકારી તેને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ છરી વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને સારવારમાં ખસેડવામાં આવતા તેને હાલ સારવાર ચાલુ છે. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામમાં રહેતા અને ભાગીદારીમાં બ્રાવેટ ગ્રેનીટો એલએલપી નામથી ટાઇલ્સ બનાવવાનું કારખાનું ચલાવતા દીલીપભાઇ ઉર્ફે દિપકભાઇ ભીમજીભાઇ મેરજાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વાંકાનેરમાં ઢુવા માટેલ રોડ પર લેબર કોલોનીમાં રહેતા ભાવેશ હર્ષદભાઇ મકવાણા અને તેની પત્ની હંસા બંને સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે બંને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. જેને પગલે બંનેના પરિવારજનો તમામ સંબંધો તોડી નાખ્યા હતા. જેઓ હાલ લાકડધાર ઢુવા માટેલ રોડ ખાતે આવેલી કારખાનાની લેબર કોલોનીમાં રહેતા હતા. ત્યારે ગત તા.તા.૧૯/૧૦/૨૦૨૩ ના રોજ ભાવેશ અને હંસા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બની જતા દંપતીએ એકબીજાને મારામારી કરી હતી જેમાં ભાવેશે આવેશમાં આવીને હંસાના માથા પર બળતણનું લાકડું ફટકારીને તેની હત્યા કરી હતી. બાદમાં પોતે પણ છરી વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે બંનેને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં હંસાનું મોત થયું છે. જ્યારે ભાવેશ હાલ સારવાર હેઠળ છે.