મોરબી-વાંકાનેર હાઇવે સ્થિત લાલપર ગામ નજીક નર્મદાની કેનાલમાંથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી છે.મૃતક કોઈ પરપ્રાંતીય શ્રમિક નહિ પણ સ્થાનિક હોવાની જાણકારીને આધારે પોલીસે મૃતક યુવાનના વાલી વારસની ભાળ મેળવી છે.
મોરબી તાલુકા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર લાલપર ગામ નજીક આવેલા સોલો સીરામીકની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આશરે ૪૦ થી ૪૫ વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ થાય એવી કોઈ નિશાની કે ચીજવસ્તુ લાશ પરથી ન મળી આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન મૃતક યુવાન રણછોડભાઇ ચંદુભાઈ સનુરા (ઉ.વ.૩૫) રહે. મહેન્દ્રનગર મોરબી હોવાનું ખુલ્યું હતું. માનસિક બીમારી ધરાવતો મૃતક ગત તા. ૩૧ ઓક્ટોબરનાં રોજ ઘેરથી નીકળી ગયો હતો અને કેનાલમાં પાણી પીવા જતા સમયે અકસ્માતે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.









