મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી મોરબી જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓની શુભેચ્છા મૂલાકાતે આવ્યા હતા. આ તકે સર્વોદય એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત યુ.એન મહેતા આર્ટસ કોલેજમાં તેમને આવકારવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાની શૈક્ષણીક મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નીતિન પેથાણીને આવકાર આપવા માટે યોજાયેલ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ મહેતા, દેવાંગભાઈ દોશી, ઓમ વી.વી.આઈ.એમ કોલેજનાં ટ્રસ્ટી સુમનભાઈ પટેલ, જે.એમ. જોશી, આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ એલ.એમ કંઝારીયા, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, મહિલા કોલેજના પ્રીન્સીપાલ ડૉ. પી.કે.પટેલ, ઓમ વી.વી.આઈ.એમ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગઠેશિયા, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જે.એલ. ગરમોરા, રવિ ભટ્ટ, નવયુગ સાયન્સના પ્રિન્સિપાલ આરતીબેન સહિત મોરબીની સેલ્ફ ફાઈનાન્સ અને વિવિધ કોલેજના પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.
યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપલ ડૉ. એલ.એમ કંઝારીયા દ્વારા કુલપતિ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ આજના શૈક્ષણિક સમયના સંદર્ભે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે શિક્ષણને લગતા પાયાના પ્રશ્નોની વિલક્ષણતાથી ચર્ચા કરી હતી. પરીક્ષા સુધારણા અંગેના યુનિવર્સિટીના દ્રષ્ટિકોણથી ઉપસ્થિત વક્તાઓને અવગત કર્યા હતા. સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીલક્ષી અભિગમ પર પ્રકાશ પાડતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમાજનું સુંદર ચિત્ર કઇ રીતે ઉપસાવવું તે સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા પર આધારિત છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ આવે છે ત્યારે તેઓને માત્ર પુસ્તકીયુ જ્ઞાન આપવાના બદલે માનવ સમાજને ઉપયોગી થાય એ પ્રકારનું પાયાનું ભણતર અને ગણતર આપવું જરૂરી બન્યું છે. શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને જ્ઞાનસભર કરવા પર તેઓએ ભાર મૂક્યો હતો.
હાલ કોરોના મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા એ ટેકનોલોજીનું એક ખૂબ જ આકર્ષક અને સરળ સ્વરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું. પોતાના વક્તવ્યના અંતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના યુવાનો અને યુવતીઓ ખડતલ છે. તો તેઓને રમતગમતના ક્ષેત્રમાં પણ પ્રોત્સાહન આપીને આગળ વધારવાની તક આપવી જોઈએ. રમતગમત માટે પ્રોત્સાહન આપવાથી વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, ઉદારતા, ધીરજ અને ખેલદિલીની ભાવના વિકસાવી શકાય છે. વધુમાં ડૉ. પેથાણીએ જણાવ્યું હતું કે સાંપ્રત સમયને સન્માન આપીને પેપરલેસ વહીવટનો અભિગમ અપનાવવો જરૂરી બન્યો છે. પેપરલેસ વહીવટી પ્રક્રિયાથી દેશની પ્રાકૃતિક સંપદાને પણ બચાવી શકાય છે તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.