સારસંભાળ કરવામાં અસક્ષમ બાળકોના પ્રવેશ માટે નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ
મોરબી જિલ્લામાં જે બાળકોના માતા કે પિતા કોવિડ પોઝીટીવ હોય અને બાળકની સાર સંભાળ લઈ શકવામાં અસક્ષમ હોય તેવા બાળકોમે બાળ સંભાળ ગૃહમાં પ્રવેશ આપવાનો વહિવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આવા બાળકોને રહેવા તેમજ જમવા સહિતની વ્યવસ્થા નિર્ઘારીત કરવામાં આવેલી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ, મિશનરી ઓફ ચેરીટી કાયાજી પ્લોટ સરદાર બાગની પાછળ મોરબી અને છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય કલ્યાણ ગ્રામ, શોભેશ્વર રોડ, મોરબી-૨ તા.જી.મોરબી ખાતે અને ૦ થી ૬ વર્ષના અનાથ બાળકો માટે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ વિશિષ્ટ દતક સંસ્થા સૂર્યકાંત હોટેલની સામે, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, રાજકોટ ને બાળ સંભાળ સંસ્થાન તરીકે જાહેર કરાઈ છે. આ બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા તમામ બાળકો માટેના નોડલ અધિકારી તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાહેર કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા કોરોના વાયરસ અન્વયે મોરબી જિલ્લામાં ચિલ્ડ્રન હોમને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરવામા આવ્યા છે.
બાળકની સારસંભાળ લઈ શકે તેમ ન હોય તેવા બાળકોની જરૂરી તપાસ અને ચકાસણી કરાવીને બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમીટીની મંજૂરી મેળવી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. મોરબી જિલ્લામાં કોરોના વાયરસના ચેપના કારણે કોઈ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કમનસીબે મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોની સંભાળની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાળકોને બાળ સંભાળ સુરક્ષા સંસ્થાઓમાં મુકતી વખતે આટલી કાળજી રાખીએ બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકતી વખતે બાળકોનો કોરોના રીપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે કારણ કે બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા અન્ય બાળકોની પણ સુરક્ષા જરૂરી છે. બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમીટી મોરબીની મંજૂરી મેળવવાની રહેશે.