૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ મોરબીમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મોરબીમાં મચ્છુ ડેમ પર આવેલો કેબલ બ્રિજ તુટી પડ્તા ૧૩૫ થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં નાના ભુલકાઓથી લઈ આબાલવૃદ્ધોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે હાઇકોર્ટના કડક વલણને પગલે ગમે ત્યારે નગરપાલિકા સુપરસીડ થાય તેવા સંકેતો છે. જેની વચ્ચે મોરબી નગરપાલિકાના પ્રમુખ ,ઉપપ્રમુખ અને ચેરમેન સિવાય ૪૯ સભ્યો માંથી ૪૮ સભ્યોએ દુર્ઘટનાને લઈ હાથ ઊંચા કરી દીધા છે.
મોરબી નગરપાલિકાના ૪૯ માંથી ૪૮ સભ્યોએ પોતાના હસ્તાક્ષર વાળો પત્ર સીએમ ને લખી રજુઆત કરી છે. જેમાં તેઓએ ન્યાયના હિતમાં માત્ર કસુરવાન સામે પગલા ભરી પાલિકાની આખી બોડીને સુપરસીડ નહિ કરવા માંગ કરી છે. અને પત્રમાં લખ્યું છે કે, કરાર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો નથી એટલે કોઈ સભ્યે ઝૂલતા પુલ કરારમાં સહી કરી નથી. જેની સહી હોય ફક્ત તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. નગરપાલિકા સુપરસીડ થશે તો ચૂંટાયેલા તમામ સભ્યોને અન્યાય થશે તેવી તેમણે રજૂઆત કરી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોઈ પણ સભ્યે આ દુર્ઘટના મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અને નગરપાલિકા સુપરસીડ થવાની વાત સામે આવતા જ ૪૮ સભ્યો મેદાને આવી સીએમને પત્ર લખ્યો છે અને ન્યાયના હિતમાં માત્ર કસુરવાન સામે પગલા ભરી પાલિકાની આખી બોડીને સુપરસીડ નહિ કરી અને માત્ર જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માંગ કરી છે.