મોરબીના મહેન્દ્રનગર ગામના ભક્તો છેલ્લા ૧૭ વર્ષથી અવિરત રીતે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ આશરે ૨૦૦થી વધુ ભક્તો ઉત્સાહપૂર્વક આ યાત્રામાં જોડાયા છે. તા.૨૪ ઓક્ટોબરને શુક્રવારના રોજ “જય બહુચરાજી”ના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં દર વર્ષે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે બહુચરાજી માતાજીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર યાત્રા ગામની અવિરત ધાર્મિક પરંપરા બની ચૂકી છે. આ વર્ષે સતત ૧૭મુ વર્ષ છે કે ગામના ભક્તો “જય બહુચરાજી”ના નાદ સાથે માતાજીના આશીર્વાદ મેળવવા માટે પગપાળા નીકળ્યા આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારૂભાઈ કૈલા, મનજીભાઈ દેત્રોજા, પ્રાણજીવનભાઈ તથા મહેન્દ્રનગર મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ગામના યુવાનો, વડીલો, સ્ત્રીઓ અને બાળકો સહીત આશરે ૨૦૦થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે. ભક્તિ સાથે સાથે આ યાત્રા ગામમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો અનોખો સંદેશ આપે છે. સતત ૧૭ વર્ષથી ચાલતી આ પરંપરાએ માત્ર ધાર્મિકતા જ નહીં પરંતુ સમાજમાં સંકલ્પશક્તિ, સમર્પણ અને ત્યાગના મૂલ્યોને પણ જીવંત રાખ્યા છે











