મોરબી જીલ્લામાં એક જ દિવસે ૧૦ જેટલા જુદા જુદા સ્થળોએ થયેલા અપમૃત્યુના બનાવો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગળેફાંસો ખાવાથી લઇને અકસ્માત અને ઝેરી દવા પી જવાથી થયેલા મોતના બનાવોમાં પુરુષો, મહિલાઓ તથા કિશોરોનો પણ સમાવેશ થાય છે. મોરબી જીલ્લા પોલીસે તમામ અપમૃત્યુના બનાવોમાં પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં ૭ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ કાળચક્ર ફરી વળતાં દિવસભરમાં કુલ ૧૦ જેટલા અપમૃત્યુના બનાવો નોંધાયા છે જેને લઈને સમગ્ર જીલ્લામાં ચકચાર મચી ગઈ છે.
જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં સંદિપભાઇ પ્રવિણભાઇ સાંવરીયા ઉવ.૨૮ રહે. ત્રાજપર શેરી નં. ૫ મયુર સોસાયટી મોરબી-૨ પોતાના રહેણાંક મકાનમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હતા. મોરબી સીટી બી.ડી.વી. પોલીસ સ્ટેશને નોંધ કરી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં સુનીલભાઇ લાલુભાઇ નાયકા ઉવ.૧૮ રહે. ચકમપર(જી) તા.જી.મોરબી વાળાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી મોનોકોટો દવા પી લેતા સારવાર દરમ્યાન ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ મરણ જતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરી આગળની તપાસ શરૂ કરી.
ત્રીજા અમૃત્યુમાં શીવાભાઇ અંબારામભાઇ ભીલ ઉવ.૨૨ રહે. હાલ નેશનલ રીફેક્ટરી નળીયા કારખાનુ મકનસર મુળ તીરલા જી.ધાર(મ.પ્ર.) વાળા ઉપરોક્ત કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના ચોથા બનાવમાં સ્નેહાબેન શામજીભાઇ ચોહાણ ઉવ.૧૭ રહે. પ્રેમજીનગર મકનસર વાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હોય. પોલીસે અ.મોતની નોંધ કરી છે.
પાંચમા અપમૃત્યુના બનાવની વિગતો મુજબ, રાહુલ રવીન્દ્ર ભારતી ઉવ.૧૭ રહે. પરીશ્રમ કારખાના બેલા ગામ વાળો ખેત તલાવડીના પાણીમાં ડુબી જતાં મરણ થયેલ હતું. તાલુકા પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરાવી તપાસ ચાલુ કરી છે.
જ્યારે છઠ્ઠા બનાવ અંગે ૩ વર્ષીય બાળક ભુપેન્દ્ર રાહુલ પોલ રહે. તુલશી મીનરલ્સ લગધીરપુર રોડ કાલીકાનગર મકનસરવાળો રમતા રમતા ઇલેક્ટ્રિક ટી.સી. ને અડી જતા જોરદાર વિજશોક લાગતાં માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુના સાતમા બનાવમાં મનસુખભાઇ બચુભાઇ સીતાપરા ઉવ.૪૧ રહે. ફેબુલા સીરામિક જુના જાંબુડીયા ગામવાળા ટ્રકમાંથી માટી ખાલી કરતાં સમયે માટીમાં દબાઇ જતાં તેમનું મરણ થયેલ હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી છે.
આઠમા બનાવમાં અંબારામભાઇ મોહનભાઇ રંગપડીયા ઉવ.૭૨ રહે. સનરાઇઝ હાઇટ્સ ગંજાનંદ પાર્ક લિલાપર કેનાલ રોડ મોરબી વાળા છઠ્ઠા માળે ગેલેરીમાં કપડાં સુકવવાની દોરી બંધતા સમયે શરીરનું બેલેન્સ ગુમાવતા, ઊંચાઈએથી નીચે પટકાતા તેમનું મૃત્યુ થયેલ હતું સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે નવમાં અપમૃત્યુના બનાવમાં આદિત્યકુમાર નીતિનભાઇ શીરવી ઉવ.૨૧ રહે. પંચાસર રોડ કામધેનુ પાર્ક ઓમકાર પેલેસ બ્લોક નં. ૫૦૪ મોરબી વાળાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલ છે.
આ ઉપરાંત દશમાં અપમૃત્યુ અંગે મળતી વિગતો અનુસાર, સરોજબેન બાદરભાઇ સરાવાડીયા ઉવ.૧૭ રહે. બોકળથંભા ગામ તા. વાંકાનેરવાળીને ઝાડા-ઉલ્ટીની તકલીફ બાદ સારવાર દરમ્યાન રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અ.મોત અંગે નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હતબ ધરી છે.