મોરબી જીલ્લામાં કાળચક્ર ત્રાટક્યું હતું. એક જ દિવસે ૬ જુદાં જુદાં સ્થળોએ બનેલા અપમૃત્યુના બનાવોમાં છ જણાના મોત થયા છે. જેમાં એકનું બીપી ઘટતા તો કોઈ અકસ્માત કે આત્મહત્યાના કારણે જીવ ગુમાવ્યો છે. પોલીસે તમામ બનાવોની અલગ-અલગ તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં દિવાળીના પાવન દિવસે આનંદ વચ્ચે અપમૃત્યુના દુઃખદ બનાવો જોવા મળ્યાં છે જેમાં કુલ ૬ અલગ-અલગ અપમૃત્યુના બનાવો બનતાં જીલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ મોરબી શહેરમાં નોંધાયો છે, જેમાં વિશાલ હીતેશભાઈ ઝાલા ઉવ.૨૮ રહે. ઉમીયાપાર્ક વાવડી રોડે પોતાના ઘરે બીપી ઘટતા બેભાન થઈ પડતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જ્યારે બીજો બનાવ મોરબી તાલુકાના બગાથાળામાં બન્યો જેમાં રોહીતભાઈ અશોકસિંહ કનીજીયા ઉવ.૨૫ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં લાકડાની બાલ્કની પરથી નીચે પડી જતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.
ત્રીજો બનાવ પણ મોરબી તાલુકા વિસ્તારમાં નોંધાયો હતો, જ્યાં અમનભાઈ ઉર્ફે લોકેશ ઉર્ફે બાહુબલી ચતુર્વેદી ઉવ.૨૯ રફાળેશ્વર રોડ ફાટક નં.૨૪,૨૫ની વચ્ચે પુલીયા પાસે રેલવે ટ્રેન સાથે અથડાતા ઈજા પહોંચી બાદમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
ચોથો બનાવ લાલપર ગામમાં બન્યો હતો. જેમાં કુમા અમિતકુમાર કુમારી ઉવ.૨૦ એ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરી અ.મોતની નોંધ રજીસ્ટર કરી છે.
જ્યારે પાંચમાં બનાવમાં રફાળેશ્વર વેલ્સા કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગોપાલભાઈ હુકમસિંહ ઉર્ફે હોકમસિંહ યાદવ ઉવ.૨૦ એ વેલ્સા કારખાનાની બાજુમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હતી.
આ ઉપરાંત છઠ્ઠા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના ઘુનડા ગામે ચંદનકુમાર અમેરિકા તીવારી ઉવ.૨૭ ને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉપરોક્ત બનેલ તમામ અપમૃત્યુના બનાવની પોલીસ દ્વારા અલગ-અલગ તપાસ શરૂ કરવામાં આવી છે.