ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગુપે વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયના બાળકો સાથે રંગોત્સવ મનાવી તેમના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો
મોરબી : ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ રંગોત્સવ એટલે ફક્ત એકબીજા ઉપર માત્ર રંગની બોછાર કરીને પર્વ મનાવવાનું નથી. પણ હકીકતમાં રંગોત્સવ એટલે સ્નેહથી રંગાઈને આત્મીયતાના બંધને બંધાય જવાનું પર્વ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા અને સામાજિક, સેવાકીય, શેક્ષણિક પ્રવૃત્તિઓથી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આ રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી અંતરના ઊંડાણથી રંગોથી પ્રેમ, સદભાવના સાથે માનવતા સર્વોપરી હોવાનું સિદ્ધ વકરી ઈશ્વર સમાન વડીલોની થતી અવહેલના સામે તેમનો આદર સત્કાર કરવાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.
રંગોત્સવની અનોખી ઉજવણીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને ખાસ તો ખુશીઓથી વંચિત બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સ આપીને તેમને રંગોત્સવની ખુશીમાં જોડવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેતા આ બાળકો જ્યારે રંગો અને સ્નેહના સ્પર્શથી ખુશી અનુભવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર સૌના હૃદય ભાવવિભોર બની ગયા હતા. બાળકોને પ્રેમપૂર્વક રંગ લગાવતા અને તેમની સાથે હાસ્ય-ઉલ્લાસના પળો વહેંચતા એક અનોખું માનવતાભર્યું વાતાવરણ સર્જાયું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓ સાથે પણ રંગોત્સવની ખુશી વહેંચી હતી. બાળાઓ સાથે રંગો રમતા અને સ્નેહભર્યા સંબંધોના રંગો ભળતા ત્યાં એક એવી લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી કે જ્યાં રંગો માત્ર ચહેરા પર નહીં પરંતુ હૃદયોમાં પણ પ્રસરી ગયા હતા.
વિશેષરૂપે, આ રંગોત્સવની ઉજવણીમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે પણ હોળીના રંગો રમવામાં આવ્યા હતા. જીવનના સાંજના પડાવે ઘણીવાર એકાંત અનુભવનારા વડીલો જ્યારે યુવાનો સાથે હાસ્ય અને રંગોની વચ્ચે જોડાયા ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાનો અજોડ તેજ જોવા મળ્યો હતો. યુવાનો અને વડીલો વચ્ચેનું આ સ્નેહમય મિલન માનવતા અને સંવેદનાનો જીવંત સંદેશ આપતું બન્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે રંગોત્સવ માત્ર રંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ જીવનમાં રહેલા કામ, ક્રોધ, લાલચ અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરીને પ્રેમ, મૈત્રી, સમરસતા અને સદગુણોના રંગોથી જીવનને રંગવાનો સંદેશ આપે છે. જ્યારે આપણે કોઈના જીવનમાં ખુશીના રંગ ભરીએ છીએ ત્યારે તહેવારનો સાચો અર્થ સાકાર થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારને સમાજસેવાની ભાવના સાથે ઉજવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ધુળેટીનો પવિત્ર અવસર અધર્મ પર ધર્મના વિજયનો અને સમાજમાં સમરસતા, સમાનતા તથા મૈત્રીભાવના મજબૂત કરવાની પ્રેરણા આપે છે. સમાજના દરેક વર્ગ વચ્ચે પ્રેમ અને સહઅસ્તિત્વની ભાવના વિકસે તે માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજાતા રહેશે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનો, બાળકો અને વડીલો વચ્ચે જે સ્નેહ, લાગણી અને માનવતાના રંગો છવાયા તે દર્શાવતા હતા કે સાચો રંગોત્સવ એ છે જ્યાં માનવતા, કરુણા અને પ્રેમના રંગો દરેક હૃદય સુધી પહોંચે છે.









