બહુચર પાર્ટીપ્લોટ ખાતે એકવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, કન્યાઓને અપાયો વૈભવી કરિયાવર.
મોરબીના ધક્કાવાળી મેલડીમાઁ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટીપ્લોટ ખાતે આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ એકવીસ યુગલોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પ્રવેશ કર્યો હતો. તમામ કન્યાઓને કરીયાવરમાં દાગીના અને ઘરઉપયોગી ૧૦૮ વસ્તુઓ અર્પણ કરાઈ હતી. અનેક સત્કાર્યોથી ઓળખાતા આ ટ્રસ્ટે આ સેવા યજ્ઞને સફળ બનાવવા દાતાઓ અને કાર્યકર્તાઓની જહેમત ઉઠાવી હતી.
મોરબીના રેલવે સ્ટેશન નજીક આવેલી ધક્કાવાળી મેલડીમાં કાર્યરત ચેરીટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. ટ્રસ્ટ દ્વારા દરરોજ ગાયો માટે પચાસ મણ લીલું ઘાસ, દર મહિને પક્ષીઓ માટે દશ મણ ચણ, અને દર રવિવાર-મંગળવારના રોજ લાપસી તથા ગુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા વર્ષમાં એક વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે વર્તમાન વર્ષે નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટીપ્લોટ ખાતે આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ જાતિના એકવીસ યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભુદેવોના પાઠન સાથે લગ્નગ્રંથિથી બંધાઈ શુભ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. વરરાજાઓનું ભવ્ય સામૈયું “કર્તવ્ય જીવ દયા” બેન્ડ પાર્ટી દ્વારા વાજતે ગાજતે અને ધમાકેદાર રીતે યોજાયું હતું. કન્યાઓને કરિયાવરરૂપે સોનાના દાગીનાનો સેટ, કબાટ, ખુરશી સહિત ૧૦૮ વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે અનેક દાતાઓએ હૃદયથી દાન અર્પણ કર્યું હતું.
કાર્યક્રમમાં દામજી ભગત નકલંકધામ બગથળા, મહંત ભાવેશ્વરીદેવી, જયંતિભાઈ રાજકોટિયા (જીલ્લા પ્રમુખ, ભાજપ), ધારાસભ્ય દુર્લભજી દેથરીયા (ટંકારા-પડધરી), તથા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમૃતિયા સહિત રેલવે વિભાગના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખ ઘનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઈ જાની, મંત્રી ધીરુભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા, નરેન્દ્રસિંહ રાણા, દિગુભા જાડેજા, ગજુભા ચુડાસમા સહિત તમામ ટ્રસ્ટી મંડળના સભ્યો તથા અનેક કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.